Image Source: Twitter
Rohit Sharma And Virat Kohli: બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડી એક મોટી ટૂર્નામેન્ટમાં રમતા નજર આવી શકે છે. બાંગ્લાદેશ સાથે ટેસ્ટ સીરિઝની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થવા જઈ રહી છે. પરંતુ આ પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી સહીત અનેક ભારતીય ખેલાડીઓ 5 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલ દલીપ ટ્રોફીમાં રમતા નજર આવી શકે છે. જો આવું થયું તો તેમના પરસ્પર સામ-સામે મેદાનમાં ટકરાવાની શક્યતા બની શકે છે. દલીપ ટ્રોફીમાં ચાર ટીમો ભાગ લેશે જે ઈન્ડિયા A, ઈન્ડિયા B, ઈન્ડિયા C અને ઈન્ડિયા Dમાં વહેંચાયેલી હશે. આ ટીમો માટે BCCIની સિલેક્શન કમિટી ખેલાડીઓની પસંદગી કરશે.
સ્ટાર ખેલાડીઓને ટૂર્નામેન્ટ રમાડવા માગે છે સિલેક્ટર્સ
એક અહેવાલ પ્રમાણે સિલેક્ટર્સ ઈચ્છે છે કે, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ દલીપ ટ્રોફીમાં રમે. શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, કુલદીપ યાદવ અને અક્ષર પટેલને સિલેક્ટર્સ દ્વારા ટૂર્નામેન્ટમાં રમવા માટે કહેવામાં આવ્યું છે. બીજી તરફ જસપ્રીત બુમરાહને અહીં પણ છૂટ મળી છે. ઈન્ડિયન સિલેક્ટર્સ બુમરાહને લઈને કોઈ પણ પ્રકારનું કોઈ પણ રિસ્ક લેવા નથી માગતા.
રોહિત-વિરાટ દલીપ ટ્રોફી રમી શકે છે
પ્રાપ્ત માહિતી પ્રમાણે દલીપ ટ્રોફીમાં ભારતીય ક્રિકેટના જે મોટા ચહેરા રમતા નજર આવી શકે છે તેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ હોઈ શકે છે. આ બંનેની એક મુકાબલામાં હાજરી હોવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું પણ બની શકે કે, આ મુકાબલો રોહિત અને વિરાટ એક-બીજા સામે પણ રમતા નજર આવી શકે છે. જો આવું થશે તો તેઓ એક લાંબા સમય પછી દલીપ ટ્રોફી અથવા ઘરેલું ક્રિકેટમાં રમતા નજર આવશે.
5થી 25 સપ્ટેમ્બર સુધી રમાશે દલીપ ટ્રોફી
દલીપ ટ્રોફીની શરૂઆત 5 સપ્ટેમ્બરથી થશે અને આ ટૂર્નામેન્ટ 25 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ વચ્ચે બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરિઝની શરૂઆત થશે. એનો અર્થ એ છે કે, ભારતીય ટીમના ખેલાડી આ આખી ટૂર્નામેન્ટમાં તો નહીં જ રમી શકશે. ભારતીય સિલેક્ટર્સનો તેમને આ ટ્રોફીમાં રમાડવાનો હેતુ માત્ર તેમને લયમાં લાવવાનો હોઈ શકે છે.
દલીપ ટ્રોફીનું આયોજન આંધ્ર પ્રદેશના અનંતપુરમાં થવા જઈ રહ્યું છે જ્યાં એરપોર્ટ નથી. હવે જો ટીમ ઈન્ડિયાના મોટા ચહેરા તેમાં રમશે તો પછી BCCI ટૂર્નામેન્ટના એક રાઉન્ડનો મુકાબલો બેંગલુરુમાં કરાવી શકે છે.