– ડો. ઝિરાક માર્કર સાથેના ફોટા વાયરલ થયા
– અભિષેકે છૂટાછેડાની અફવાઓ ફગાવતાં કહ્યું, મારું પરણિત પુરુષ તરીકેનું સ્ટેટસ યથાવત
મુંબઈ: ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન છૂટાછેડા લેવાના હોવાની અફવાઓ લાંબા સમયથી ચાલ્યા કરે છે. આ અફવાઓ વચ્ચે ઐશ્વર્યાની એક ડોક્ટર મિત્ર સાથેની નિકટતા પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. બીજી તરફ અભિષેકે છૂટાછેડાની તમામ અફવાઓ ફગાવી દીધી છે.
ઐશ્વર્યા રાય આજકાલ એક ચાઈલ્ડ સાયકોલોજીસ્ટ ડોક્ટર ઝિરાક માર્કર સાથે બહુ હળીભળી રહી હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પર તેમના કેટલાક ફોટા પણ વાયરલ થયા છે. ડો. માર્કરનાં એક પુસ્તકનાં વિમોચન પ્રસંગે પણ ઐશ્વર્યા ખાસ હાજર રહી હતી. ડો. ઝિરાક માર્કર અને ઐશ્વર્યા કોલેજના જમાનાના દોસ્તો હોવાનું કહેવાય છે.
જોકે, કેટલાંક સૂત્રો કહે છે કે ડો. ઝિરાક અને ઐશ્વર્યા ફેમિલી ફ્રેન્ડ છે. ડો. ઝિરાક અને તેમનાં પત્ની તથા ઐશ્વર્યા અને અભિષેક સાથે વેકેશન ગાળવાં ગયાં હોય તેવું પણ બન્યું છે.
બીજી તરફ એક નવા વાયરલ થયેલા વીડિયોમાં અભિષેક બચ્ચને એક ઈન્ટરવ્યૂમાં છૂટાછેડાની તમામ અફવા ફગાવી હતી. અભિષેકે કહ્યું હતું કે મીડિયા નાની નાની વાતને બહુ મોટી હવા આપી રહ્યું છે.
જોકે, અમે સમજીએ છીએ કે મીડિયાએ પણ સમાચારો આપતા રહેવાનું હોય છે. અમે સેલિબ્રિટી છીએ એટલે આ બધું સમજી શકીએ છીએ. બાકી, તમને આ અફવાઓમાં રાચનારાને દિલગીરી સાથે કહેવાનું કે મારું પરણિત પુરુષ તરીકેનું સ્ટેટસ હજુ યથાવત છે. તેણે આમ કહેતા પોતાની વેડિંગ રિંગ પણ દર્શાવી હતી.