ફિલ્મ રીલિઝ થઈ પણ કોર્ટમાં કેસ ચાલશે
નીચલી કોર્ટે રીલિઝ પર લાદેવો સ્ટે કર્ણાટક હાઈકોર્ટે ઉઠાવી લીધો
મુંબઇ: અજય દેવગણની ‘મૈદાન’ ફિલ્મ રીલિઝ ટાણે જ સ્ક્રિપ્ટ ઉઠાંતરીના વિવાદમાં ફસાઈ છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ મૂળ પોતાની હોવાની દલીલ સાથે એક લેખકે કોર્ટમાં કેસ કરતાં કર્ણાટકની નીચલી કોર્ટે ફિલ્મની રીલિઝ પર સ્ટે લાદી દીધો હતો. જોકે, ફિલ્મ સર્જકોએ હાઈકોર્ટમાં અપીલ કરતાં હાઈકોર્ટે સ્ટે ઉઠાવી લીધો હતો.
આ ફિલ્મ ભારતના ફૂટબોલ કોચ સૈયદ અબ્દૂલ રહીમની જીવનકથા પર આધારિત છે .અનિલ કુમાર નામના લેખકના જણાવ્યા અનુસાર પોતે એક પ્રોફેશનલ બ્લોગિંગ પ્લેટફોર્મ પર આ સ્ક્રિપ્ટ વિશે ઉલ્લેખ કર્યો હતો અને તેનું પોસ્ટર પર શેર કર્યું હતું. પોતે ફિલ્મની સ્ક્રિપ્ટ રાઈટર્સ એસોસિએશનમાં નોંધણી પણ કરાવી હતી. તે વખતે ફિલ્મના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સુખદાસ સૂર્યવંશીએ તેમનો સામેથી સંપર્ક કર્યો હતો. તેમણે મારી પાસે સ્ક્રિપ્ટ મગાવી હતી. આ સ્ક્રિપ્ટ સાથે આમિર ખાનનને મળવાનું નક્કી થયું હતું પરંતુ કશું નક્કી થયું ન હતું.
જોકે, તાજેતરમાં ‘મૈદાન’ ફિલ્મનો પ્રચાર શરુ થતાં તેમને ખ્યાલ આવ્યો હતો કે આ તો પોતે જ લખેલી સ્ક્રિપ્ટ પરથી ફિલ્મ બની ગઈ છે.
મૈસુરની જિલ્લા કોર્ટે રીલિઝ પર સ્ટે આપી દેતાં સર્જકો દોડતા થઈ ગયા હતા. ફિલ્મની ટીમ દ્વારા જણાવાયું હતું કે અદાલત દ્વારા એકતરફી આદેશ અપાયો છે અને તેઓ તેની સામે હાઈકોર્ટમાં અપીલ કરવાના છે.
બાદમાં ટ્રેડ વર્તુળોના જણાવાયા અનુસાર હાઈકોર્ટ દ્વારા સ્ટે ઉઠાવી લેવાતાં રીલિઝ શક્ય બની છે. જોકે, નીચલી કોર્ટમાં હજુ આ કેસમાં સુનાવણી આગળ વધી શકે છે.