Image: Facebook
IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને IPL 2024 દરમિયાન ચાહકોના રોષનો સામનો કરવો પડ્યો છે. તેને લગભગ દરેક મેચમાં ટ્રોલ કરવામાં આવ્યો છે. આ મુદ્દે ટીમના ઓપનર બેટ્સમેન ઈશાન કિશને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે હાર્દિક પંડ્યા કોઈ પણ પડકારથી ગભરાતો નથી અને આગામી દિવસોમાં આ જ ચાહકો ફરીથી તેને પસંદ કરવા લાગશે.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા જ્યારથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો છે ત્યારથી તેણે ચાહકોના રોષનો ભોગ બનવુ પડ્યું છે. લોકોને એ વાત બિલકુલ પસંદ આવી નથી કે રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો. પહેલા અમુક મેચમાં મુંબઈને સતત હારનો પણ સામનો કરવો પડ્યો અને આ કારણે હાર્દિકની ટીકા થવા લાગી.
હાર્દિક પંડ્યા પોતાને સાબિત કરશે- ઈશાન કિશન
RCB સામે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈશાન કિશને હાર્દિક પંડ્યા અંગે પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું, હાર્દિક પંડ્યા પડકારો માટે તૈયાર રહે છે કેમ કે તમે ચાહકો અંગે કોઈ ફરિયાદ કરી શકતા નથી. તેમની પોતાની આશાઓ હોય છે અને પોતાના મત હોય છે. જોકે, હાર્દિક પંડ્યાને જેટલો હું ઓળખુ છુ તે એક એવો ખેલાડી છે જેને પડકારો પસંદ છે. લોકો જે કરી રહ્યા હોય તેનાથી હાર્દિક પંડ્યા ખુશ છે. આગામી મેચમાં તે પોતાના બેટથી પ્રદર્શન કરશે અને આ લોકો ફરીથી તેને પસંદ કરવાનું શરૂ કરી દેશે. લોકો તમારી મહેનતની કદર કરે છે. તે તમારી ટીકા ભલે કરે પરંતુ જો તમે એ સાબિત કરી દીધુ કે તમને તેનાથી તકલીફ નથી તો આજ નહીં તો કાલે ચાહકો તમને ફરીથી સપોર્ટ કરશે.