અમદાવાદ, બુધવાર,10 એપ્રિલ,2024
અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં અમદાવાદ હેન્ડ સ્ક્રિન
પ્રિન્ટીંગ એસોશિએશન તથા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા ત્રીસ
મિલિયન લિટર પર ડે ક્ષમતા ધરાવતા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને ગુજરાત પોલ્યુશન
કંટ્રોલ બોર્ડ દ્વારા કલોઝર નોટિસ અપાઈ છે.એક મહિનામાં પ્લાન્ટને યોગ્ય રીતે
કાર્યરત કરી પાણી છોડવામાં નહીં આવે તો જી.પી.સી.બી.દ્વારા પ્લાન્ટને બંધ કરાવાશે.
ટ્રીટમેન્ટ પ્લાન્ટના આઉટલેટમાંથી ગંદુ પાણી છોડવામાં આવી
રહયુ હોવાના પગલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તપાસ કરાવવામાં આવી
હતી.તપાસ સમયે આઉટલેટમાંથી ક્ષારવાળુ તેમજ કલોરીનેશન વગરનું ટ્રીટ કર્યા વગરનુ
પાણી છોડવામા આવતુ હતુ.જેના કારણે કલોઝર નોટિસ ફટકારવામાં આવી છે.સૂત્રોમાંથી મળતી
વિગત અનુસાર, ત્રીસ
એમ.એલ.ડી.સેન્ટ્રલ એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને આસપાસના વિસ્તારમાં તપાસ
કરવામા આવી ત્યારે ઈનલેટ તથા આઉટલેટ બંને જગ્યાએ નિયમ મુજબનુ પાણી છોડવામાં આવતુ
નહોતુ.કલોરીનેશન તેમજ અન્ય ટ્રીટમેન્ટ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરતી
નહોતી.પ્લાન્ટમાંથી અનેક વખત ત્રીસ એમ.એલ.ડી.કરતા પણ વધુ પાણી ગંદુ પાણી નદીમાં
છોડવામાં આવ્યુ હતુ.તમામ બાબતને કલોઝર નોટિસ આપતી વખતે ધ્યાનમાં લેવામાં આવી
છે.અમદાવાદના બહેરામપુરા તથા દાણીલીમડા વોર્ડમાં આવલા હેન્ડ સ્ક્રિન એકમ તથા
અનેક ફેકટરીઓ દ્વારા સાબરમતી નદીમાં
પ્રદૂષિત પાણી છોડવામાં આવતુ હોવાથી છ મહિના પહેલા બહેરામપુરા ખાતે સુએજ
ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરુ કરવામાં આવ્યો હતો.
ભાજપ, AIMIM
નેતાઓના દબાણથી પ્લાન્ટ વહેલો શરુ
કરાયો હતો
ભાજપ અને એ.આઈ.એમ.આઈ.એમ.ના નેતાઓના દબાણથી રુપિયા ૧૧૨
કરોડથી વધુના ખર્ચથી તૈયાર કરવામાં આવેલા ત્રીસ એમ.એલ.ડી.ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ
પ્લાન્ટને વહેલો શરુ કરાયો હતો.પ્લાન્ટ સંદર્ભમાં કેટલીક તૈયારી બાકી હોવાથી
મ્યુનિ.ના અધિકારીઓએ તેને શરુ કરવાના પક્ષમાં નહોતા.પરંતુ ભાજપ અને એ.આઈ.એમ.આઈ.એમ.ના નેતાઓને રાજકીય લાભ
ખાટવાનો ઈરાદો હોવાથી પ્લાન્ટ સમય પહેલા શરુ કરવો પડયો હોવાની મ્યુનિ.વર્તુળોમાં
ચર્ચા સાંભળવા મળી છે.
મ્યુનિ.એ પ્લાન્ટ ઓપરેટર અને L &T ને નોટિસ અપાઈ હતી
બહેરામપુરા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આઉટલેટ મ્યુનિ.ના
૧૮૦ એમ.એલ.ડી.ક્ષમતાના ટ્રીટમેન્ટ
પ્લાન્ટની બાજુમાં આવેલુ છે.મ્યુનિ.ના ટ્રીટ કરેલા પાણીમાં આ પ્લાન્ટમાંથી નીકળતુ
ગંદુ પાણી ભળતુ હોવાનુ સામે આવતા મ્યુનિ.તંત્રે તપાસ કરી હતી.પ્લાન્ટની મશીનરી વધુ
પડતુ ગંદુ પાણી છોડવાના કારણે ખરાબ થઈ જતા મ્યુનિ.તંત્રે પ્લાન્ટ ઓપરેટર તથા
એલ.એન્ડ.ટી.ને નોટિસ આપી હતી.ત્રીસ એમ.એલ.ડી.ક્ષમતા હોવાછતાં ચાલીસથી બેતાલીસ
એમ.એલ.ડી.સુધીનુ પાણી સાબરમતી નદીમાં છોડવામા આવતુ હતુ.જે ખુબ પ્રદૂષિત હતુ.