અમદાવાદ,સોમવાર
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનમાં
રહેતી મહિલા કોન્સ્ટેબલે રાણીપ પોલીસ મથકે તેના પતિ વિરૂદ્વ ફરિયાદ નોંધાવી છે. મહિલા
કોન્સ્ટેબલે ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે તેના પતિ ચારિત્ર્ય પર શંકા કરીને મારઝુડ
કરે છે. જ્યારે તેણે છુટાછેડાની માંગણી કરી ત્યારે પતિએ ધમકી આપી હતી કે ૪૮ લાખ રૂપિયા આપે તો જ છુટાછેડા
આપીશ. રાણીપ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી
છે. શહેરના સુભાષબ્રીજ પાસે આવેલી એક સોસાયટીમાં રહેતી ૨૬ વર્ષીય
યુવતી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબવ તરીકે નોકરી
કરે છે. તેણે નવા વાડજમાં રહેતા તેમના ગામના વતની યુવક સાથે એક વર્ષ પહેલા ખાનગી
મેરેજ બ્યુરોમાં પ્રેમ લગ્ન કર્યા હતા. જો
કે બંનેના પરિવાર લગ્નને લઇને વિરોધ કરે તેમ હોવાથી બંને અલગ અલગ રહેતા અને ઘરે કોઇને
જાણ કરી નહોતી. પરંતુ, લગ્ન બાદ તેનો પતિ
તેને અવારનવાર ફોન કરીને તેની પુછપરછ કરતો હતો અને શંકા પણ કરતો હતો. એટલું જ છેલ્લાં
ઘણા સમયથી માર પણ મારતો હતો. જેના કારણે માનસિક દબાણમાં આવી જતા તેનો બે માસનો ગર્ભ પણ પડી ગયો હતો. છેવટે મહિલા કોન્સ્ટેબલે તેની પાસેથી છુટાછેડા માંગ્યા
હતા. પરંતુ, તેના પતિએ
છુટાછેડા આપવાના બદલામાં ૪૮ લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ અંગે રાણીપ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી છે.