Image: Facebook & Wikipedia
Ankita Lokhande: અંકિતા લોખંડેએ ટીવીની દુનિયામાં ખૂબ નામ કમાયું છે. તે ફિલ્મોમાં પણ પોતાની આવડત બતાવવા ઈચ્છતી હતી. ઘણી મોટી ફિલ્મો માટે તેણે ઓડિશન પણ આપ્યુ પરંતુ નસીબે તેને સાથ આપ્યો નહીં. જો કે, સંજય લીલા ભણસાલી જેવા મોટા ફિલ્મમેકરે તેને પોતાની મૂવી ઓફર કરી હતી પરંતુ તે વખતે અંકિતા લોખંડેએ તક ઠુકરાવી દીધી હતી. બિગ બોસ બાદ અંકિતા લોખંડે એક વાર ફરીથી ચર્ચામાં છે. તેની સામે પ્રોજેક્ટની લાઈન લાગી ગઈ છે. આ દરમિયાન તેને લઈને ચોંકાવનારી વાત સામે આવી છે.
‘રામ લીલા’માં દીપિકાના સ્થાને અંકિતા હોત
ફિલ્મ મેકર સંદીપ સિંહે અંકિતા લોખંડેનો રામ લીલામાં સામેલ થવાનો ખુલાસો કર્યો. તેણે જણાવ્યું છે કે, ‘હું ભણસાલી પ્રોડક્શનમાં સીઈઓ હતો ત્યારે અંકિતા લોખંડેએ ‘રામ લીલા: ગોલિયોં કી રાસલીલા’ ની લીડ અભિનેત્રી માટે ઓડિશન આપ્યું હતું અને પાસ પણ થઈ ગઈ હતી.’
શા માટે અંકિતા ‘લીલા’ ન બની?
સંદીપ સિંહે એ પણ જણાવ્યું કે શા માટે સારું ઓડિશન છતાં અંકિતા લોખંડેને ફિલ્મમાં કેમ લેવામાં આવી નહીં. આ અંગે તેણે કહ્યું કે, ‘એવું નથી કે તેણે રામલીલાનું ઓડિશન પાસ કર્યું નહોતું. તેણે કમાલ કરી દીધી હતી. જો કે, મિસ્ટર ભણસાલીએ બ્લેક, સાંવરિયા અને ગુજારિશ આપ્યા બાદ એક સ્ટાર ઈચ્છી રહ્યાં હતાં. તે સમયે ફિલ્મનું બજેટ ખૂબ વધુ હતું. મને લાગે છે કે ઓડિશનમાં જ અંકિતાએ શાનદાર પરફોર્મ કર્યું હતું.’
બોયફ્રેન્ડ માટે કારકિર્દીને મહત્ત્વ ના આપ્યું
અંકિતા લોખંડેએ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, ‘હું સુશાંત સિંહ રાજપૂતને ડેટ કરી રહી હતી ત્યારે મેં હેપ્પી ન્યૂ યર, રામ લીલા અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મો છોડી દીધી હતી કારણ કે, હું કારકિર્દીના બદલે લગ્નને મહત્ત્વ આપી રહી હતી.’
જ્યારે સંજય લીલા ભણસાલીએ પોતે કર્યો ફોન
અંકિતા લોખંડેએ જણાવ્યું છે કે, ‘સંજય લીલા ભણસાલીએ મને બાજીરામ મસ્તાની કરવાની ઓફર આપી હતી. મને યાદ છે કે સંજય સરે મને ફોન કરીને કહ્યું હતું કે, બાજીરાવ કરી લે નહીંતર યાદ રાખજે તુ પસ્તાઈશે. તે હકીકતમાં મારા વખાણ કરી રહ્યાં હતાં અને સંજય સર તરફથી આવું કહેવું ખૂબ મોટી વાત છે. ત્યારે મે કહ્યું, ના સર, મારે લગ્ન કરવાના છે. મને હજુ પણ તે વાત યાદ છે અને તેમની પાસે કહેવા માટે કંઈ નહોતું અને મેં ફિલ્મ છોડી દીધી.’