– શિખુ નામ સાથેના નેકલેસ દ્વારા પ્રેમની જાહેરાત
– પિતા બોની કપૂર તાજેતરમાં જ જાહ્વવી અને શિખરના સંબંધ પર કન્ફર્મ કરી ચૂક્યા છે
મુંબઇ : હજુ થોડા દિવસો પહેલાં જ બોની કપૂરે ખુદ જાહ્વવી કપૂર અને શિખર પહાડિયા વચ્ચેના સંબંધો કન્ફર્મ કરતાં કહ્યું હતું કે તેમને ભરોસો છે કે શિખર ક્યારેય જાહ્વવીનો સાથ નહીં છોડે.
પિતાએ જાહેરમાં આ વાત ઉચ્ચાર્યા બાદ હવે જાહ્નવી પિતાની ફિલ્મ ‘મૈદાન’ના પ્રિમિયરમાં બોયફ્રેન્ડ શિખરના નામનો નેકલેસ પહેરીને આવી હતી અને આ રીતે પોતાના પ્રેમની સત્તાવાર ખુલ્લેઆમ જાહેરાત કરી હતી. જાહ્વવી શિખરને પ્રેમથી શિખુ કહીને બોલાવે છે તે રહસ્ય તો અગાઉ કરણ જોહરના કોફી શો વખતે જ ખુલી ચૂક્યું હતું. તે વખતે કરણ જોહરે તેને પૂછ્યું હતું કે તેના મોબાઈલમાં ફાસ્ટ ડાયલમાં કોના કોના નંબર છે તે વખતે જાહ્વવી ઉતાવળે ઉતાવળે શિખુ નામ બોલી ગઈ હતી અને પછી શરમાઈ ગઈ હતી.
જાહ્વવી અને શિખર પહાડિયા લાંબા સમયથી રિલેશનશિપમાં છે. શિખર જાહ્વવીના પરિવાર સાથે પણ અનેક પ્રસંગોમાં દેખાય છે. જાહ્વવીની તિરુપતિ મંદિરની જાત્રામાં પણ શિખર મોટાભાગે તેની સાથે જ હોય છે.
આથી આમ તો આ સંબંધ જગજાહેર હતો પરંતુ આ વખતે જાહ્વવીએ જરા સ્ટાઈલથી આ સંબંધની જાહેરાત કરી હતી.
જોકે, આ રીતે રિલેશનશિપ જાહેર કરવામાં જાહ્વવી પહેલી નથી. હજુ થોડા દિવસો પહેલાં જ શ્રદ્ધા કપૂર પણ તેના ગળામાં આર લખેલું પેન્ડન્ટ પહેરીને આવી હતી અને તે રીતે તેણે રાહુલ મોદી સાથે પોતે રિલેશનમાં હોવાનું કન્ફર્મ કર્યું હતું.