આગામી નવેમ્બરમાં યોજાવા જઈ રહેલી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી વિશે દરરોજ નવાનવા અને રસપ્રદ સમાચાર આવી રહ્યા છે. તાજા સમાચાર એ છે કે ડેમોક્રેટિક પાર્ટીના સંભવિત ઉમેદવાર એવા કમલા હેરિસના ચૂંટણી ભંડોળ માટે યોજાયેલી એક ઇવેન્ટમાં રેકોર્ડ સર્જાયો છે.

શું હતી ઇવેન્ટ? શું બન્યો રેકોર્ડ?

કમલા હેરિસ માટે ચૂંટણી ભંડોળ એકત્ર કરવાને ઈરાદે ‘વ્હાઈટ વુમન: આન્સર ધ કોલ’ નામની ઝૂમ ફંડ રેઈઝિંગ ઈવેન્ટ યોજાઈ હતી. કોવિડ કાળ દરમિયાન આપણે સૌ જેનાથી પરિચિત થયા હતા એવી ઝૂમ એપની ગુરુવારે રાત્રે યોજાયેલી ઓનલાઇન મીટિંગમાં રેકોર્ડતોડ મહિલાઓએ ભાગ લઈને આ ઇવેન્ટને અધધધ સફળ બનવી હતી. કુલ મળીને 164,000 થી વધુ સહભાગીઓએ આ મીટિંગમાં હાજરી આપીને કમલા હેરિસ પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. એટલું જ નહીં, કમલા હેરિસના ચૂંટણી-પ્રચાર માટે આ ઇવેન્ટ દ્વારા 20 લાખ ડોલરનો તોતિંગ ફાળો પણ ભેગો કરવામાં આવ્યો હતો, એ પણ ફક્ત 90 મિનિટમાં. ઓનલાઇન ઇવેન્ટના ઈતિહાસમાં 164,000 માણસો જોડાયા હોય એવી આ પહેલી ઘટના છે. 

ઇવેન્ટમાં કઈ કઈ સેલિબ્રિટી સહભાગી બની? 

ગાયિકા ‘પિંક’ અને અભિનેત્રી ‘કોની બ્રિટન’ જેવી લોકપ્રિય અમેરિકન હસ્તીઓ પણ આ ઇવેન્ટમાં જોડાઈ હતી. હાસ્ય કલાકાર ‘કેરોલ લીફ’ આ મીટિંગમાં જોડાઈ હતી. એણે જ 5 લાખ ડોલરનું ડોનેશન આપવાનું વચન આપીને ફંડ એકઠા કરવાના શુભ કામની શરૂઆત કરી હતી, જેથી બીજાને પણ વધારે ડોનેશન આપવાની પ્રેરણા મળે. પિંકે કહ્યું હતું કે, રાજકારણમાં મહિલાઓના મંતવ્યને હજુ વધુ મહત્વ મળવું જોઈએ. 

રેકોર્ડ-બ્રેકિંગ કોલમાં પડી ટેકનિકલ મુશ્કેલીઓ

દેશભરની મહિલાઓને ઝૂમ એપ પર લાઇવસ્ટ્રીમ ચેટમાં જોડાવા અને હેરિસને ટેકો આપવા માટે તેમના સંપર્કોને આમંત્રિત કરવા માટે જણાવાયું હતું. આ ઇવેન્ટને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. મહિલાઓનો રીતરસનો ધસારો મચ્યો. રેકોર્ડ-બ્રેકિંગ કૉલને કારણે ઇવેન્ટ ચાલુ રાખવામાં ટેકનિકલ મુશ્કેલી પડવા લાગી તો એપ મીટિંગમાં જોડાઈ ન શકતાં લોકો યૂટ્યુબ પર થઈ રહેલા મીટિંગના લાઇવસ્ટ્રીમ જોવા તરફ વળી ગયા.

કમલા હેરિસ માટે અગાઉ પણ યોજાઈ છે સફળ ઝૂમ ઇવેન્ટ

અમેરિકન રાજકારણીઓ પોતાના ઇલેક્શન કેમ્પેઇન માટે ફંડ ઉઘરાવવા માટે જાતભાતના પેંતરા અજમાવતા હોય છે. આ હેતુસર આધુનિક જમાનામાં ‘વ્હાઈટ વુમન: આન્સર ધ કોલ’ જેવી ઓનલાઇન ઇવેન્ટ ગોઠવવાનું શરૂ થયું છે. આની અગાઉ અશ્વેત મહિલાઓ માટેની ઝૂમ ઇવેન્ટમાં 44,000 મહિલાઓ અને અશ્વેત પુરુષો માટેની ઝૂમ ઇવેન્ટમાં 50,000 પુરુષો જોડાયા હતા. એ બંને ઇવેન્ટમાં અનુક્રમે 15 લાખ ડોલર અને 13 લાખ ડોલર એકત્ર કરાયા હતા.

સતત મજબૂત બની રહ્યા છે કમલા હેરિસ

જો બાઇડનની પીછેહઠ પછી અમેરિકનોમાં કમલા હેરિસની તરફેણમાં જાણે કે જુવાળ આવ્યો છે. તાજેતરમાં થયેલા પ્રી-પોલ સર્વેમાં કમલા હેરિસ ટ્રમ્પ કરતાં 2 પોઇન્ટ આગળ રહ્યા હતા, અને હવે આ ઝૂમ ઇવેન્ટની રેકોર્ડબ્રેક સફળતાને કારણે એમ કહી શકાય કે કમલા હેરિસ અમેરિકાના પ્રમુખપદ માટેનો એમનો દાવો સતત મજબૂત બનાવી રહ્યા છે.  

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *