Image Source: Twitter
ઈરાનમાં એક જ સપ્તાહમાં ફરી એક વખત ચાબહાર વિસ્તારમાં આતંકીઓએ હુમલો કર્યો છે.
ઈરાનના દક્ષિણ હિસ્સામાં આવેલા આ શહેરનુ ચાબહાર પોર્ટ બનાવવામાં ભારતનો બહુ મોટો ફાળો છે અને છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તાર આતંકીઓના નિશાના પર છે. મળતી વિગતો પ્રમાણે જાસૂસી એજન્સીની ઈમારતની આસપાસ આતંકી હુમલા બાદ સુરક્ષાદળો સાથે અથડામણ ચાલી રહી છે.
તેનો એક વિડિયો પણ વાયરલ થયો છે. જેમાં ફાયરિંગનો અવાજ સાંભળી શકાય છે. હુમલો કરવામાં જૈશ અલ અદલ સંગઠનનો હાથ હોઈ શકે છે. જોકે હજી આ બાબતને સત્તાવાર સમર્થન મળ્યુ નથી. ચાર દિવસ પહેલા આ જ સંગઠને ઈરાનના ત્રણ વિસ્તારોમાં હુમલા કર્યા હતા અને તેમાં કુલ 27 લોકોના મોત થયા હતા.
ઈરાનના ગૃહ મંત્રાલયના કહેવા પ્રમાણે ગુરુવારની સવારે થયેલા હુમલા બાદ 17 કલાક સુધી ગોળીબાર થયા હતા. હવે જે નવા વિડિયો સામે આવ્યા છે તેમાં જેમાં બંદૂકધારીઓ રસ્તા પર ભાગી રહ્યા છે.
આ હુમલામાંથી ઈરાન બહાર આવે તે પહેલા આતંકવાદીઓએ ચાબહાર વિસ્તારમાં રવિવારની સવારે બીજો હુમલો કર્યો છે અને સુરક્ષાદળો તેનો જવાબ આપી રહ્યા છે. જોકે હજી સુધી આ હુમલામાં થયેલી ખુવારીની જાણકારી સામે આવી નથી.
ઈઝરાયેલ દ્વારા સિરિયામાં ઈરાનની કોન્સ્યુલેટ પર થયેલી એર સ્ટ્રાઈક બાદ તરત ઈરાનમાં ઉપરા છાપરી આતંકી હુમલાના કારણે ઈરાનની સરકારની પરેશાની વધી ગઈ છે.