Russia President Vladimir Putin : વ્લાદિમિર પુતિને પાંચમી વખત રશિયાના પ્રમુખ તરીકે શપથ લીધા છે. તેઓ રશિયામાં છ વર્ષ સુધી રાષ્ટ્રપતિ પદનો કાર્યકાળ સંભાળશે. જ્યારે પુતિને વર્ષ 2000માં પ્રથમ વખત પ્રમુખપદના શપથ લીધા હતા. ત્યારે તેમણે લોકશાહી લાવવાના, તેને જાળવી રાખવાના અને રશિયાની રક્ષા કરવાના શપથ લીધા હતા. જોકે ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણું બદલાઈ ગયું છે. તેમની નીતિઓની ઘણા લોકો ટીકા કરી રહ્યા હોવાના અહેવાલો પણ સામે આવતા રહ્યા છે.
પુતિનના પ્રમુખ બન્યા બાદ દેશની સ્થિતિ બદલાયાનો દાવો
પુતિનના પ્રમુખ બન્યા બાદ રશિયામાં ઘણાં ફેરફાર થયા હોવાનો સરકાર દાવો કરી રહી છે. પુતિને લોકશાહીનો વિકાસ વધારવાના બદલે તેને ઘટાડવાનું શરૂ કરી દીધું છે. તેઓ ટીકાકારોને જેલમાં ધકેલી રહ્યા છે. સ્થિતિ એવી છે કે, પુતિનની સત્તા પર કોઈપણ પ્રકારનો અંકુશ હટાવવામાં આવી રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે રશિયાની આર્થિક સ્થિતિ પણ નબળી પડી છે. બંને દેશો વચ્ચે 24 ફેબ્રુઆરી-2022ના રોજ યુદ્ધ શરૂ થયું હતું, જે હજુ સુધી ચાલી રહ્યું છે. રશિયાના યુક્રેન જોડે તો ઠીક, NATO જોડે પણ સંબંધો બગડેલા છે અને તે ઘણીવાર નાટોને ચેતવણી આપી ચુક્યા છે. તેમણે રશિયાના રાષ્ટ્રપતિ તરીકે છઠ્ઠી વખત શપથ લેતાની સાથે પણ નાટોને ચેતવણી આપી દીધી છે.
પુતિને રશિયાને ફરી સ્મૃદ્ધ દેશ બનાવ્યો: ફિયોના હિલ
વ્હાઈટ હાઉસની પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ફિયોના હિલ કહે છે કે, ‘એક રશિયન સમ્રાટની જેમ પુતિન પોતાને મહાન માનવામાં લાગ્યા છે. જો આપણે પુતિનના પ્રથમ બે કાર્યકાળ જોઈએ, તો મને લાગે છે કે આપણે તેમની તરફેણમાં તેનું મૂલ્યાંકન કરી શકીશું. તેમણે 24 વર્ષના શાસન દરમિયાન રશિયાને રાજકીય સ્થિરતા આપી અને તેને ફરી એક સમૃદ્ધ દેશ બનાવ્યો. રશિયાની અર્થવ્યવસ્થા અને સમગ્ર સિસ્ટમ અગાઉની કોઈપણ સરકાર કરતાં હાલ વધુ સારી કામગીરી કરી રહી છે.’
ક્રીમિયા પર કબજો કર્યા બાદ રશિયાનું વિકાસ ચક્ર બદલાયું
તેમણે કહ્યું કે, ‘રશિયાએ 10 વર્ષ પહેલા ક્રાઈમિયા પર કબ્જો કર્યા બાદ દેશનો વિકાસ ચક્ર બદલાયો છે. હવે પુતિન પોતાને પ્રગતિવાદી શાસકના બદલે એક સામ્રાજ્યવાદી નેતામાં બદલી નાખ્યા છે. રશિયા પર 25 વર્ષ સુધી શાસન કરી રહેલા પુતિને પોતાની જુદી જ છાપ ઉભી કરી છે. ભૂતકાળમાં લોકો ભાગ્યે જ ‘બ્રેઝનેવિઝમ’, ‘ગોર્બેચેવિઝમ’ અથવા ‘યેલ્ટિશિનિઝમ’ વિશે વાત કરતા હતા, પરંતુ હવે લોકો પુતિનવાદની વધુ ચર્ચા કરી રહ્યા છે.’ ઉલ્લેખની છે કે, વ્લાદિમીર પુતિન જ્યારથી રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે, ત્યારથી તેમણે અમેરિકાના પાંચ જુદા જુદા રાષ્ટ્રપતિ અને બ્રિટનના સાત વડાપ્રધાન જોયા છે.
પુતિને શપથ લેવાની સાથે જ નાટોને આપી ચેતવણી
વ્લાદિમીર પુતિને આજે રાષ્ટ્રપતિ પદના શપથ લેવાની સાથે જ નાટોને ચેતવણી આપી દીધી છે. પુતિન પ્રમુખ બન્યાના પહેલા જ સંબોધનમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘હવે એ વાત પશ્ચિમી દેશો પર નિર્ભર છે કે, તેઓ રશિયા સાથે વાત કરવા માંગે છે કે રશિયાના વિકાસમાં રોડા નાંખવાનો પ્રયાસ કરીને અમારા ગુસ્સાનો શિકાર થવા માંગે છે. આ ઉપરાંત હું નાટોને પણ ચેતવણી આપું છું કે, જો અમારા પર કોઈ પણ પ્રકારનું દબાણ નાંખવાનું ચાલુ રાખ્યું તો તબાહી માટે તૈયાર રહેજો…’