Image: NASA Twitter
Sunita Williams: ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સની ત્રીજી અવકાશ યાત્રા અંતિમ સમયે મોકૂફ રાખવામાં આવી છે. ટેકઓફના માત્ર 90 મિનિટ પહેલા જ મિશનને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નવી લોન્ચ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જોકે આ ફ્લાઈટ મોકૂફ રાખવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો છે તેની વિગતો પણ બહાર આવી છે.
કેમ ફ્લાઈટ મોકૂફ રખાઈ ?
સુનિતા વિલિયમ્સ મંગળવારે ત્રીજી વખત અવકાશ યાત્રા પર જવાના હતા. સુનિતાએ કેપ કોર્નવોલ, ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ભારતીય સમય મુજબ સવારે 8.04 કલાકે ઉડવાનું હતું. જોકે, ટેકઓફના 90 મિનિટ પહેલા વૈજ્ઞાનિકોએ સ્પેસક્રાફ્ટના ઓક્સિજન વાલ્વમાં ટેકનિકલ ખામી શોધી કાઢી હતી અને તેને કારણે ફ્લાઈટને રોકી દેવામાં આવી હતી. સુનીતા વિલિયમ્સની સાથે નાસાના વૈજ્ઞાનિક બેરી વિલ્મોર પણ બોઇંગના સ્પેસક્રાફ્ટમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જઇ રહ્યા હતા.
સ્પેસમાં સુનીતાના નામે અનોખો રેકોર્ડ :
સુનિતા વિલિયમ્સે અવકાશમાં 322 દિવસ વીતાવવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. તેણી સૌથી વધુ કલાકો સુધી સ્પેસવોક કરનાર મહિલા વૈજ્ઞાનિક હોવાનો રેકોર્ડ ધરાવે છે. વિલિયમ્સ પહેલીવાર 9 ડિસેમ્બર, 2006ના રોજ અવકાશમાં ગયા હતા અને 22 જૂન, 2007 સુધી અવકાશમાં રહ્યા હતા.
સુનીતા વિલિયમ્સે રેકોર્ડ 29 કલાક અને 17 મિનિટ સુધી ચાર વખત સ્પેસવોક કર્યું હતું. આ પછી સુનિતા વિલિયમ્સ 14 જુલાઈ, 2012ના રોજ બીજી વખત અવકાશ યાત્રા પર ગયા અને 18 નવેમ્બર 2012 સુધી અવકાશમાં રહ્યા. 59 વર્ષીય સુનીતા વિલિયમ્સે કહ્યું કે તે ઉડાન પહેલા થોડી નર્વસ હતી પરંતુ તે નવા અવકાશયાનમાં ઉડાન ભરવાને લઈને પણ ઉત્સાહિત હતી. વિલિયમ્સે કહ્યું કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તેમના માટે બીજા ઘર જેવું બની ગયું છે.