– હીરા મંડીમાં ભંગાર એક્ટિંગ માટે ભારે ટ્રોલ થઈ
– શર્મિનને સગાંવાદના જોરે સીરિઝ મળી, કોઈ એક્સપ્રેશન્સ જ નથી તેવી વ્યાપક ટીકાઓ
મુંબઇ : સંજય લીલા ભણશાળીની વેબ સીરિઝ ‘હીરામંડી’માં આલમઝેબનો રોલ ભજવનારી તેમની ભાણેજ શર્મિન તેની ભંગાર એક્ટિંગના કારણે ભારે ટ્રોલ થઈ રહી છે. તેના પર ટીકાઓનો મારો ચાલતાં તેણે સોશિયલ મીડિયા એપ પર કોમેન્ટસ ઓફ કરી દેવી પડી છે.
શર્મિને ‘હીરામંડી’ના પોતાના પાત્રના ગેટઅપમાં જ એક મેગેઝિન શૂટની તસવીરો પોસ્ટ કરી હતી. તે પછી તેની નીચે કોમેન્ટસમાં અત્યંત ઉગ્ર ટીકાઓનો મારો ચાલુ થયો હતો.
સંખ્યાબંધ નેટ યૂઝર્સ દ્વારા જણાવાયું હતું કે શર્મિનને માત્ર સંજય લીલા ભણશાળીની ભાણેજ હોવાના કારણે આ રોલ મળી ગયો છે બાક ીતેના કરતાં વધારે પ્રતિભાશાળી અનેક હિરોઈનો બોલીવૂડ તથા ટીવી ઈન્ડસ્ટ્રીમાં મોજુદ છે.
લોકોએ જણાવ્યું છે કે સમગ્ર સીરિઝમાં શર્મિનના હાવભાવ એકસરખા જ રહ્યા છે. તેનો ચહેરો જાણે સપાટ લાકડું હોય તેમ કોઈ લાગણીના ચઢાવ ઉતાર જોવા મળતા નથી. તેની ડાયલોગ ડિલિવરીનાં પણ કોઈ ઠેકાણાં નથી.
શર્મિન અગાઉ સંજય લીલા ભણશાળીની કેટલીક ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કરી ચૂકી છે. ‘હીરા મંડી’ સીરિઝની તે સૌથી નબળી કડી હોવાનું લોકોએ ઠેરવ્યું છે.