– ફિલ્મ પડતી મૂકાઈ કે શું તેવી અટકળો
– ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર નથી, ફરહાન પોતાની એક્ટિંગ કેરિયરમાં ફોક્સ કરવા માંડયો
મુંબઈ: રણવીર સિંહ અને કિયારા અડવાણીની ‘ડોન થ્રી’નું શૂટિંગ શરુ થવાના હજુ કોઈ ઠેકાણાં નથી. આ વર્ષમાં શૂટિંગ શરુ થશે કે કેમ તે અંગે પણ અનિશ્ચિતતા સર્જાય છે. ટ્રેડ વર્તુળોમાં એવી અફવા છે કે કદાચ આ પ્રોજેક્ટ થોડા સમય માટે મુલત્વી કરી દેવામાાં આવ્યો છે.
ફરહાને બહુ શરુઆતથી જ નવા ડોન તરીકે રણવીરની ઘોષણા કરી દીધી હતી. તે પછી હિરોઈનો અંગે અનેક અટકળો બાદ છેવટે કિયારા અડવાણીએ બાજી મારી હતી. આ ઉનાળામાં ફિલ્મનું શૂટિંગ શરુ થઈ જશે તેમ કહેવાતું હતું.
પરંતુ, ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર ફરહાન હજુ સુધી ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ કરી શક્યો નથી. વધુમાં ફરહાન હવે પોતાની એક્ટિંગ કેરિયર પર વધારે ફોક્સ કરી રહ્યો છે અને કદાચ આગામી જૂનમાં તેની નવી ફિલ્મનું શૂટિંગ શરુ થઈ શકે છે. ફરહાન ભારતીય નેવીનાં ૨૦૧૭નાં યુદ્ધ પર આધારિત ફિલ્મ ‘ઓપરેશન ટ્રાઈડેન્ટ’ શરુ કરી રહ્યો છે. બીજી બાજુ રણવીર પણ પોતાની કેરિયરને નવી ઊંચાઈ આપવા માટે સાઉથના દિગ્દર્શકો સાથે વાટાઘાટો કરી રહ્યો છે. આ સંજોગોમાં આ વર્ષના અંત સુધીમાં પણ ‘ડોન થ્રી’નું શૂટિંગ શરુ થશે કે કેમ તે કહી શકાય તેમ નથી.
ટ્રેડ વર્તુળોમાં ચર્ચા અનુસાર પ્રારંભિક ઉત્સાહ બાદ આ ફિલ્મ અંગેનો બઝ જે રીતે ઠંડો પડયો છે તે જોતાં મેકર્સ હવે કદાચ આવતાં વર્ષે જ આ પ્રોજેક્ટને રિવાઈવ કરી શકે છે. જોકે, આ બાબતે ફિલ્મની ટીમ દ્વારા સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.