– બોલીવૂડમાં વધુ એક નેપોકિડનું આગમન
– પરમવીર ચક્ર વિજેતા અરુણ ક્ષેત્રપાલની જિંદગી પર આધારિત ઈક્કિસ ફિલ્મમાં દેખાશે
મુંબઈ: બોલીવૂડમાં વધુ એક નેપોકિડની એન્ટ્રી થઈ રહી છે. અક્ષય કુમારની ભાણેજ સિમર ‘ઇક્કિસ’ ફિલ્મથી પદાર્પણ કરી રહી છે. આ ફિલ્મમાં તેનો હિરો અમિતાભ બચ્ચનનો દૌહિત્ર અગત્સ્ય નંદા હશે.
આ ફિલ્મ પરમવીર ચક્ર વિજેતા અરુણ ક્ષેત્રપાલની જિંદગી પર આધારિત હશે. ફિલ્મનું દિગ્દર્શન શ્રીરામ રાઘવન કરવાના છે.
સિમર અક્ષયની બહેન અલકાની દીકરી છે. તે હમણા સુધી લાઈમલાઈટથી દૂર રહી હતી. શાહરુખની દીકરી સુહાના કે રવિના ટંડનની દીકરી રાશા ફિલ્મોમાં આવ્યાં પહેલાં જ સોશિયલ મીડિયા થકી છવાઈ ગયાં છે તેની સરખામણીએ સિમરે હજુ સુધી બિનજરુરી પબ્લિસિટી ટાળી છે.
અક્ષય કુમાર પોતાની લગભગ દરેક ફિલ્મમાં સહ નિર્માતા તરીકે જોડાઈ જાય છે. તેની બહેન અલકા પણ તેની કેટલીય ફિલ્મોની પ્રોડયૂસર છે. જોકે, સિમરની પહેલી ફિલ્મમાં અક્ષય કુમાર કોઈ રીતે નિર્માણ કાર્ય સાથે સંકળાશે કે કેમ તે હજુ નક્કી થયું નથી.
આ ફિલ્મમાં અગત્સ્યની પસંદગી બહુ લાંબા સમય પહેલાં જ થઈ ચૂકી હતી. તેણે પોતાના કેટલાક ભાગનું શૂટિંગ પણ પૂર્ણ કરી દીધું છે. ફિલ્મ આવતાં વર્ષે જાન્યુઆરીમાં રીલિઝ કરવાનું પ્લાનિંગ છે.