IPL 2024 | આઈપીએલ 2024ને લઈને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ ચાહકો પોતાની ફેવરિટ ટીમને સપોર્ટ કરી રહ્યા છે. આ દરમિયાન ઘણી વેબસાઈટ પર IPLના ગેરકાયદેસર સ્ટ્રીમિંગના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. તાજેતરમાં જ આ કેસમાં સંજય દત્તને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. હવે આ મામલે એક જાણીતી અભિનેત્રી તમન્ના ભાટિયાને સમન્સ મોકલવામાં આવ્યું છે.
દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહી છે સુનાવણી…
IPLના ગેરકાયદે સ્ટ્રીમિંગનો મામલો દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. હવે આ મામલે ફિલ્મ સ્ટાર્સનું નામ પણ જોડાઈ ગયું છે. IPLને લઈને ચાહકોમાં ભારે ક્રેઝ છે. લગભગ દરેક સિઝનને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આવી સ્થિતિમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની પેટાકંપની વાયાકોમ 18 ને IPL 2023 ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગને કારણે ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું.
તમન્ના ભાટિયાને સમન્સ મોકલાયું
ઘણી વેબસાઈટ પર IPL મેચો ગેરકાયદેસર રીતે સ્ટ્રીમ થઈ રહી છે. અહેવાલ અનુસાર, મહારાષ્ટ્ર સાયબર સેલે અભિનેત્રી તમન્ના ભાટિયાને ફેરપ્લે એપ પર IPL 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગના સંબંધમાં પૂછપરછ માટે બોલાવી છે. આ કેસમાં વાયાકોમને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હતું. તેને 29 એપ્રિલે મહારાષ્ટ્ર સાયબર સેલ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
સંજય દત્તને પણ સમન્સ મોકલાયું હતું
તમન્ના ભાટિયા પહેલા અભિનેતા સંજય દત્તને પણ આ સંબંધમાં 23 એપ્રિલે સમન્સ મોકલવામાં આવ્યો હતો, પરંતુ અભિનેતા તેમની સામે હાજર થયો ન હતો. જો કે, સંજય દત્તે પોતાનું નિવેદન નોંધવા માટે તારીખ અને સમય માંગ્યો હતો અને હાજર થવાની તારીખ અંગે તેણે કહ્યું હતું કે તે દિવસે તે ભારતમાં નહોતો.