Lok Sabha Elections 2024 : ભારતીય જનતા પાર્ટીએ નવી દિલ્હી લોકસભા બેઠક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને લોકસભામાં વિપક્ષના નેતા રહી ચુકેલા સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. બીજીતરફ દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટીએ કેજરીવાલ સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચુકેલા સોમનાથ ભારતીને ટિકિટ આપી છે, તેથી આ બેઠક પર આ વખતે રસપ્રદ ચૂંટણી જોવા મળવાની છે.
બાંસુરી સ્વરાજે અગાઉ ક્યારે ચૂંટણી લડી નથી
BJPએ બાંસુરી સ્વરાજ (Bansuri Swaraj)ને ચૂંટણી મેદાનમાં તો ઉતારી દીધા છે, પરંતુ તેમણે અગાઉ ક્યારે ચૂંટણી લડી નથી. પરંતુ રસપ્રદ વાત એ છે કે, સુષ્મા સ્વરાજે પણ પ્રથમવાર લોકસભા ચૂંટણીમાં જંપ લાવી ચૂંટણી ડેબ્યૂ કર્યું હતું અને તેઓ જીત્યા પણ હતા. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સોમનાથ ભારતી (Somnath Bharti) પણ લોકસભાની ચૂંટણી પ્રથમવાર લડી રહ્યા છે.
સુષ્મા સ્વરાજે પણ કર્યું હતું ચૂંટણી ડેબ્યૂ
ભાજપના ફાયરબ્રાન્ડ નેતા સુષ્મા સ્વરાજે (Sushma Swaraj) 1977માં રાજકારણમાં એન્ટ્રી કરી હતી અને તેમણે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ડેબ્યૂ કરતાની સાથે જ વિજય મેળવ્યો હતો. એટલું જ નહીં તેઓ હરિયાણા સરકારમાં મંત્રી પણ બન્યા હતા. ત્યારબાદ તેમની રાજકીય કારકિર્દીમાં નવો વળાંક આવ્યો અને છેક રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી ગયા. ભાજપે તેમને 1990માં રાજ્યસભામાં મોકલ્યા હતા. તેઓ 1990થી 1996 સુધી રાજ્યસભામાં સભ્ય રહ્યા. ત્યારબાદ ભાજપે 1996માં દક્ષિણ દિલ્હીની લોકસભા બેઠક પરથી સુષ્માને પ્રથમવાર ટિકિટ આપી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. તો કોંગ્રેસે તેમની સામે વકીલ કપિલ સિબ્બલને પ્રથમવાર લોકસભાની ટિકિટ આપી ચૂંટણી લડાવી હતી.
સુષ્મા અને બાંસુરીના ચૂંટણી ડેબ્યૂમાં ઘણી સમાનતા
સુષ્મા સ્વરાજ અને તેમની પુત્રી બાંસુરીની પ્રથમ લોકસભા ચૂંટણીમાં ઘણી સમાનતાઓ છે. સુષ્માએ જ્યારે પ્રથમ લોકસભા ચૂંટણી લડ્યા હતા, ત્યારે તેમનો મુકાબલો વકીલ સામે થયો હતો. ત્યારે આ વખતે બાંસુરીની પ્રથમ લોકસભા ચૂંટણીમાં પણ તેમની સામે વકીલ જ ઉમેદવાર છે. એટલું જ નહીં જેવી રીતે સુષ્મા સામે લડનાર ઉમેદવારે પ્રથમ લોકસભા ચૂંટણી હતી, તેવી રીતે બાંસુરી સામેના ઉમેદવાર પણ પ્રથમ વખત લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.