– પુત્રી સુહાના ખાન સાથેની આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા
મુંબઇ : શાહરૂખ ખાન આગામી ફિલ્મમાં ફરી ડોનના રોલમાં જોવા મળે તેવી શક્યતા છે. જોકે આ ફિલ્મ ફરહાન અખ્તરની ડોન ૩ નહીં હોય.
સોશયલ મીડિયાના પોર્ટલના અનુસાર, શાહરૂખ ખાન આગામી ફિલ્મમાં ડોનનું પાત્ર ભજવશે. પુત્રી સુહાના ખાન સાથેની ફિલ્મ કિંગનું દિગ્દર્શન સુજોય ઘોષનું હશે. શાહરૂખની પુત્રી સુહાના આ ફિલ્મથી રૂપેરીપડદે લોન્ચ થવાની છે.
એક રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે, શાહરૂખ ખાન જાણે છે કે, ફિલ્મમાં તેની નકારાત્મક ભૂમિકા દર્શકો પર છવાઇ જાય છે. તે આ રોલ માટે ઉત્સાહિત છે. આ પાત્રમાં તેનો અનોખો લુક જ જોવા મળવાનો છે. તે પોતાના લુક અને પાત્ર માટે સિદ્ધાર્થ આનંદ અને સુજોય ઘોષ સાથે પણ ચર્ચા કરી રહ્યો છે.
સિદ્ધાર્થ આનંદે શાહરૂખના પાત્ર પર નિર્ણય લઇ લીધો છે અને હવે તે એકશન બ્લોક્સ પર કામ કરી રહ્યો છે. આ ફિલ્મના એકશન દ્રશ્યો માટે આંતરરાષ્ટ્રીય ટીમની મદદ લેવામાં આવશે.સુજોય બીજી બાજુ ડાયલોગ ડ્રાફ્ટ પર કામ કરી રહ્યો છે. જ્યારે શાહરૂખ દરેક બાબતો પર ધ્યાન આપવાની સાથેસાથે સુહાના સાથે એકશન દ્રશ્યોની તાલીમ લઇ રહ્યો છે, તેમ સૂત્રે વધુમાં ઉમેર્યું હતું. શાહરૂખને ગ્રે રોલ ભજવવાની સૂઝ છે. તેણે ભૂતકાળમાં યશરાજની ૧૯૯૩ની રોમેન્ટિક થ્રિલર ફિલ્મ ડર, અને અબ્બાસ-મસ્તાનની ૧૯૯૩ની બાજીગરમાં પણ આવી જ ભૂમિકા ભજવી હતી.
જ્યારે રાહુલ રવૈલની ૧૯૯૪માં સાયકોલોજીકલ થ્રિલર અંજામ પણ તેનો ગ્રે રોલ હતો. ઉપરાંત ૨૦૧૭માં રાહુલ ધોળકિયાની રઇસમાં પણ શાહરૂખે આવી જ ભૂમિકા ભજવી હતી.