Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલે પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે થશે. બીજા તબક્કામાં કેરળની તમામ 20 બેઠક પર મતદાન થવાનું છે. ત્યારે મતદાનના પાંચ દિવસ પહેલા વાયનાડ બેઠકથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર નવી દિલ્હીથી તિરુવનંતપુરમ જતી કેરળ એક્સપ્રેસ ટ્રેનનો વીડિયો શેર કરીને મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. આ વીડિયોમાં કેટલાક મુસાફરો ટ્રેનના એસી કોચના ટોયલેટની અંદર ઊંઘતા જોવા મળે છે. આ કોચમાં ઘણી ભીડ પણ જોવા મળી રહી છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર શું લખ્યું?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘X’ વીડિયો પોસ્ટ કરીને લખ્યું ‘નરેન્દ્ર મોદીના શાસનમાં ટ્રેનની મુસાફરી સજા બની ગઈ છે. સામાન્ય માણસની ટ્રેનોમાંથી જનરલ કોચ ઘટાડીને માત્ર વિશેષ ટ્રેનને પ્રોત્સાહન આપતી મોદી સરકાર દ્વારા દરેક વર્ગના મુસાફરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. કન્ફર્મ ટિકિટ હોવા છતાં પણ લોકો પોતાની સીટ પર શાંતિથી બેસી શકતા નથી. સામાન્ય લોકો ટ્રેનના ટોઈલેટમાં બેસી પ્રવાસ કરવા મજબૂર બન્યા છે. મોદી સરકાર પોતાની નીતિઓથી રેલવેને નબળી બનાવીને પોતાની નાલાયક સાબિત કરવા માગે છે, જેથી તેમને તેના મિત્રોને વેચવાનું બહાનું મળી શકે. જો રેલવેને બરબાદ  થતા બચાવવી હોય તો મોદી સરકારને હટાવવી પડશે.’

ચૂંટણી પહેલા વાયનાડ બેઠકથી કોંગ્રેસને ઝટકો

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસ પાર્ટીને રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં મોટો ઝટકો લાગ્યો છે. વાયનાડમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ (DCC)ના મહાસચિવ પી.એમ. સુધાકરન કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે. પી.એમ. સુધાકરને રાજીનામું આપવાનું કારણ આપતાં કહ્યું કે, ‘અમારા માટે વાયનાડના સાંસદ અને કોંગ્રેસના નેતા સુધી પહોંચવું સરળ નહોતું, અમે અમારા વિચારો વ્યક્ત કરી શકતા ન હતા. જો મારી સાથે આવું થતું હોય તો સામાન્ય જનતા સાથે શું થતું હશે.’

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *