– કોંગ્રેસનો પ્રચાર કરતો હોવાનો ડીપ ફેક વીડિયો
– આમિરનો દાવોઃ 35 વર્ષની રાજકીય કારકિર્દીમાં ક્યારેય કોઈનો પ્રચાર કર્યો નથી
મુંબઇ : આમિર ખાન કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યો હોવાનો એક ડીપ ફેક વીડિયો વાયરલ થયા બાદ આમિર ખાને આ અંગે મુંબઈ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. આમિરના જણાવ્યા અનુસાર તેણે ૩૫ વર્ષની કારકિર્દીમાં ક્યારેય કોઈ રાજકીય વ્યક્તિ કે પક્ષનો પ્રચાર કર્યો નથી. આ વીડિયો તદ્દન બનાવટી છે અને પોતે તે અંગે વિવિધ સત્તાવાળા સમક્ષ રજૂઆત કરી રહ્યો છે અને સાથે સાથે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.
આમિરને આ વીડિયોમાં ભાજપના ચૂંટણી વચનો સામે સવાલ ઉઠાવતો દેખાડાયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આમિરના જૂના શો ‘સત્યમેવ જ્યતે’ના કેટલાક અંશો લઈ ડીપ ફેકની મદદથી આ નકલી વીડિયો બનાવી દેવાયો છે. કોઈ જોનાર વ્યક્તિને પહેલી નજરે એમ જ લાગે કે આમિર ભાજપની વિરોધમાં અને કોંગ્રેસની તરફેણમાં પ્રચાર કરી રહ્યો છે.
જોકે, આમિરની ટીમ તરફથી જણાવાયું હતું કે આ વીડિયો સદંતર નકલી છે. આમિરે ક્યારેય કોઈ રાજકીય નિવેદન કર્યુ નથી કે ક્યારેય કોઈ રાજકીય હસ્તી અથવા પક્ષ માટે પ્રચાર કર્યો નથી.
આમિર ભારતના ચૂંટણી પંચનો બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યો છે અને તેના ભાગ રુપે તે મતદાર જાગૃતિ માટે અનેક કેમ્પેઈન કરી ચૂક્યો છે. પરંતુ ક્યારેય કોઈ રાજકીય પક્ષાપક્ષીમાં પડયો નથી એમ તેની ટીમ દ્વારા જણાવાયું છે.