– વિધુ વિનોદ ચોપરાએ કન્ફર્મ કર્યું
– અગાઉ અર્શદ વરસી પણ સંકેત આપી ચૂક્યો છે, જોકે કલાકારો વિશે અટકળો
મુંબઇ : મુન્ના ભાઈ સીરિઝની ત્રીજી ફિલ્મ સો ટકા બનશે અને તેની સ્ક્રિપ્ટ લખવાનું પણ શરુ થઈ ગયું છે એમ સર્જક વિધુ વિનોદ ચોપરાએ જણાવ્યું છે.
મુન્નાભાઇનો પહેલો ભાગ ૨૦૦૩માં આવ્યો હતો. આ પછી બીજો ભાગ ૨૦૦૬માં અને હવે ત્રીજા ભાગની તૈયારી થઇ રહી છે. બન્ને ભાગ સુપરહિટ થયાહતા. ફિલ્મમાં સર્કિટ અને મુન્નાની જોડીએ બોક્સઓફિસ પર તરખાટ મચાવ્યો હતો.
થોડા સમય પહેલાં અર્શદ વરસીએ પણ સંકેત આપતાં કહ્યું હતું કે મુન્નાભાઈનો ત્રીજો ભાગ જોવા માટે દર્શકો આતુર છે અને સાથે સાથે સર્જકો પણ તે માટે ઉત્સુક છે. જોકે, ત્રીજા ભાગમાં મુન્ના ભાઈ તથા સર્કિટ તરીકે સંજય દત્ત અને અર્શદ વરસીની જોડી જ રિપીટ કરાશે કે કેમ તે અંગે અટકળો સેવાય છે. વિધુ વિનોદ ચોપરા એક ફિલ્મ સર્જક તરીકે થોડા સમયથી નિષ્ક્રિય હતા. પરંતુ, તેમની તાજેતરની ફિલ્મ ‘બારહવી ફેઈલ’ ભારે પ્રશંસા સાથે હિટ થઈ છે. આ ફિલ્મથી વિધુ વિનોદ ચોપરાના ચાહકો એક ફિલ્મ સર્જક તરીકે તેમનું પુનરાગમન થયું હોવાનું માને છે.