Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. આ વચ્ચે તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને રૂપિયા આપવાનો મામલો સામે આવ્યો છે.
કોંગ્રેસના ઉમેદવાર પર લોકોને રૂપિયા આપવાનો લાગ્યો આરોપ
તમિલનાડુની તમામ 39 લોકસભા બેઠકો માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થવાનું છે. ત્યારે રાજ્યના મદુરાઈ જિલ્લાની વિરૂદ્ધનગર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર મણિકમ ટાગોર પર ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને ‘રૂપિયા’ આપવાનો આરોપ લાગ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના વિરૂદ્ધનગર બેઠકના ઉમેદવાર મણિકમ ટાગોરના ચૂંટણી પ્રચાર દરમિયાન ચલણી નોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં, મણિકમ ટાગોર વિરુદ્ધનગરમાં ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં હાજર લોકોને કથિત રીતે રૂપિયા આપતા જોવા મળ્યા હતા. પોલીસ અધિક્ષક બીકે અરવિંદે કહ્યું કે કોંગ્રેસના ઉમેદવાર મનિકમ ટાગોર મદુરાઈમાં રૂપિયા આપવાનો વીડિયો અસલી છે. અગાઉ બુધવારે ટાગોરે મદુરાઈમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્ટી સમર્થકો અને સ્થાનિકોને સંબોધિત કર્યા હતા.
તામિલનાડુની તમામ બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થશે
નોંધનીય છે કે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં તામિલનાડુની તમામ 39 બેઠકો પર 19 એપ્રિલે મતદાન થશે. 2019ની સામાન્ય ચૂંટણીઓમાં, કોંગ્રેસ, VCK, MDMK, CPI, CPI(M), IUML, MMK, KMDK, TVK અને AIFB સમાવિષ્ટ ડીએમકેની આગેવાની હેઠળના સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સે 39 માંથી 38 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો. 2019માં, ડીએમકેએ 33.2 ટકા વોટ શેર સાથે 23 લોકસભા બેઠકો જીતી હતી, કોંગ્રેસે 12.9 ટકા વોટ શેર સાથે 8 બેઠકો અને સીપીઆઈએ તમિલનાડુમાં બે બેઠકો જીતી હતી.