Ban Gambling Advertising : સુરત પાલિકાએ આવક મેળવવા માટે અનેક એજન્સીને જાહેરાતના હક્ક આપ્યા છે. પરંતુ શહેરમાં જુગારની જાહેરાત સામે પગલાં ભરવામાં પાલિકાના બેવડા ધોરણ બહાર આવ્યા છે. પાલિકાની સીટી બસ પર ઓનલાઈન જુગારની જાહેરાત કરનાર એજન્સીને દંડ પાલિકાના હોર્ડિંગ્સ પર જુગારની જાહેરાત યથાવત જોવા મળી રહી છે. જેના કારણે જુગારની જાહેરાતમાં પગલાં ભરવામાં પાલિકાના વ્હાલા દવલા નીતિ હોવાની ફરિયાદ થઈ રહી છે.
સુરત મહાનગરપાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષની ફરિયાદ બાદ પંદરેક દિવસ પહેલા પાલિકાની બસ પર ઓનલાઈન જુગારની જાહેરાત બંધ કરીને એજન્સીને દંડ ફટકારવામાં આવ્યો હતો. 16 એપ્રિલના રોજ ડિંડોલીની એક શાળાના આચાર્યએ પાલિકાની સીટી બસ પર ઓનલાઇન ગેમ જેવા કે તીનપત્તી, રમી, પોકર જેવા જુગારની જાહેરાત મુકવામાં આવી હતી. આવા પ્રકારની જાહેરાતના કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકો પર માઠી અસર પડી રહી છે તેવી ફરિયાદ કરી હતી. પાલિકાના આચાર્યએ ફરિયાદ કરતાં ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મરાઠેએ સૂચના આપીને આ જાહેરાત દૂર કરાવી હતી અને એજન્સીને દંડ પણ કરવામાં આવ્યો હતો.
ઓનલાઈન જુગારમાં યુવાધન ફસાઈ રહ્યું છે તેવા સંજોગોમાં સુરત પાલિકાના આ પગલાને અનેક લોકોએ આવકાર્યો હતો. જોકે, પાલિકાના આ પ્રયાસને આવકાર્યા બાદ લોકો અચંબામાં પડી ગયા હતા. કારણ એ હતું કે પાલિકાની સીટી બસ પરથી ઓનલાઇન ગેમ જેવા કે તીનપત્તી, રમી, પોકર જેવા જુગારની જાહેરાત ગાયબ થઈ ગઈ હતી. પરંતુ શહેરના જાહેર માર્ગો પર આવા પ્રકારની જ જાહેરાતના મોટા મોટા હોર્ડિગ્સ લાગી ગયાં છે. આ જાહેરાતમાં જીત કા જાદુ અને આ આઈપીએલમાં મન ખોલીને જીતો તેવા લખાણ વાંચવા મળી રહ્યા છે. લોકો એવું કહે છે કે આ જાહેરાત પણ ઓન લાઈન જુગારની જ છે. જો પાલિકા સીટી બસ પરથી આવા પ્રકારની જાહેરાત હટાવી શકતા હોય તો હોર્ડિગ્સ પર જાહેરાત કેવી રીતે થવા દે છે ? એક જ પ્રકારની જાહેરાત સામે પાલિકાના બેવડા ધોરણ કેમ છે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.