– માનદરવાજા સ્થિત ચામુંડા જવેલર્સના માલિકને મહિલાએ પોતે મૂળ નવસારીની હોવાનું જણાવી પેમેન્ટ પેટે ચેક આપ્યા તે બાઉન્સ થયા હતા
– જવેલરે ગાંધીનગર તપાસ કરાવી તો તેવી કોઈ નાયબ કલેકટર નહીં હોવાની જાણ થતા ફરિયાદ નોંધાવી : પોલીસે મૂળ વ્યારાની મહિલાની અટકાયત કરી
સુરત, : સુરતના માન દરવાજા સ્થિત ચામુંડા જવેલર્સના માલિકને પોતાની ઓળખ ગાંધીનગર નાયબ કલેકટર તરીકે આપી એક મહિલાએ રૂ.12.38 લાખના દાગીના ખરીદી પેમેન્ટ પેટે ચેક આપ્યા હતા.જોકે, પેમેન્ટના ચેક બાઉન્સ થતા જવેલરે ગાંધીનગર તપાસ કરાવી તો તેવી કોઈ નાયબ કલેકટર નહીં હોવાની જાણ થતા છેવટે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે નાયબ કલેકટર તરીકે ઓળખ આપનાર મૂળ વ્યારાની મહિલાની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બનાસકાંઠા ધાનેરાના ભાટીબ ગામના વતની અને સુરતમાં કરંજ લંબે હનુમાન રોડ રાધાક્રિષ્ણ મંદીરની પાસે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ બીલ્ડીંગ નં.બી ઘર નં.304 માં રહેતા 26 વર્ષીય લખાભાઇ મફાભાઇ રબારી માન દરવાજા 80 ફૂટ રોડ મમતા હોસ્પિટલની સામે ચામુંડા જવેલર્સના નામે સોનાચાંદીના દાગીનાની દુકાન ધરાવે છે.ગત 31 માર્ચના રોજ લખાભાઈ અને તેમને ત્યાં કામ કરતા કરશનભાઈ રબારી અને શંકરભાઈ રબારી દુકાને હાજર હતા ત્યારે 10.45 કલાકે એક મહિલા ત્યાં આવી હતી અને પોતાની ઓળખ હેતલકુમારી સંજયભાઈ પટેલ તરીકે આપી પોતે મૂળ નવસારી વાંસીયા તળાવ કોઠાર ફળીયાની વતની છે તેમ કહી ગાંધીનગર ખાતે નાયબ કલેકટર હોવાનું તેમજ બનાસ ડેરીમાં ચીઝ ડિપાર્ટમેન્ટમાં મેનેજર તરીકે નોકરી કરતા પતિ સાથે બનાસકાંઠામાં રહેતી હોવાનું જણાવ્યું હતું.
પોતે સુરતમાં કાર ખરીદવા આવી છે અને બે દિવસ અગાઉ સહારા દરવાજાથી બારડોલી જતી વખતે જલારામ મસાલા સામે રોડ ઉપર મોબાઈલ ચોરાઈ જતા ગતરોજ સારોલી પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે તેવી પોલીસ ફરિયાદ બતાવી હતી.તેમાં પણ તેણે પોતે નાયબ કલેકટર હોવાનું લખાવ્યું હોય લખાભાઈને તેના પર વિશ્વાસ બેઠો હતો.દુકાનમાં લગભગ સવા ત્રણ કલાક રોકાઈને હેતલકુમારીએ રૂ.12,38,310 ના સોનાના દાગીના ખરીદી પોતે રોકડા પૈસા લાવી નથી અને એટીએમ મોબાઈલ ફોન સાથે ચોરાઈ ગયો છે તેમ કહી બેન્કના ચેક આપવાની વાત કરી હતી.આથી લખાભાઈએ સારોલી પોલીસ મથકમાં પોતાના પરિચિતને ફોન કરી ફરિયાદની ખરાઈ કર્યા બાદ હેતલકુમારી પાસે ચેક લઈ તેમને દાગીના આપતા તે ચાલી ગઈ હતી.
ત્રણ દિવસ બાદ ચેક બેલેન્સના અભાવે રિટર્ન થતા લખાભાઈએ ફોન કર્યો તો હેતલકુમારીએ મારા એકાઉન્ટમાં પૈસા છે તો ચેક કેવી રીતે બાઉન્સ થાય તેવું કહેતા લખાભાઈએ બેંકમાં તપાસ કરાવી તો તેના એકાઉન્ટમાં કોઈ બેલેન્સ જ નહોતું.આથી તેમણે ગાંધીનગર તપાસ કરાવી તો ત્યાં કોઈ હેતલકુમારી નાયબ કલેકટર તરીકે નોકરી કરતી ન હોવાનું જાણવા મળ્યું હતું.આ અંગે લખાભાઈએ પોલીસમાં અરજી કરી હતી.તેના આધારે સલાબતપુરા પોલીસે ગતરોજ ગુનો નોંધી પોતાની ઓળખ નાયબ કલેકટર તરીકે આપનાર મૂળ વ્યારાની મહિલાની અટકાયત કરી તેની પુછપરછ હાથ ધરી છે.વધુ તપાસ પીએસઆઈ એમ.કે.કાપડીયા કરી રહ્યા છે.
બોગસ ના.કલેકટરે નવસારી-વ્યારામાં નોકરી અપાવવાના બહાને પણ ઠગાઈ કરી છે
સલાબતપુરા પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પોતાની ઓળખ નાયબ કલેકટર તરીકે આપનાર હેતલકુમારીએ નવસારી અને વ્યારામાં નોકરી આવવાના બહાને પણ ઠગાઈ કરી છે.તેની છેતરપિંડીના ભોગ અંદાજીત 10 થી વધુ બન્યા છે.
બોગસ નાયબ કલેકટરે સારોલી પોલીસને પણ ગેરમાર્ગે દોરી હતી
નાયબ કલેકટર તરીકે ઓળખ આપનાર મહિલાએ પોતાનો રૂ.10 હજારનો મોબાઈલ ફોન મોપેડ પર આવેલા બે અજાણ્યા ઝુંટવીને ફરાર થઈ ગયાની ફરિયાદ સારોલી પોલીસ મથકમાં ગત 30 માર્ચના રોજ કરી હતી ત્યારે ત્યાં પણ પોતાની ઓળખ નાયબ કલેકટર તરીકે આપી હતી.જોકે, ફરિયાદમાં પોતે મૂળ નવસારીની નહીં પણ વ્યારા ખાતે ચૌધરી સમાજની વાડીની સામે મુસા રોડ પ્રમુખસ્વામી સોસાયટીમાં રહેતી હોવાનું જણાવ્યું હતું.