પોયડા ગામે મકાનની એક વર્ષથી ચાલતી કામગીરી હજુ અધૂરી
મકાનનું કામ વહેલી તકે પૂર્ણ કરવાની માગણી
આંગણવાડી કેન્દ્ર એકની રૂપિયા 6.99 લાખમાંથી મોટા ભાગની ગ્રાન્ટ ફળવવામાં આવી હોવા છતાં કામગીરી હજુ અધુરી
શહેરા તાલુકાના પોયડા ગામ ખાતે રૂપિયા 6.99લાખના ખર્ચે નવીન બની રહેલ આંગણવાડી કેન્દ્ર 1 ની નવીન મકાનની કામગીરી પાછલા એક વર્ષ ઉપરાંતથી ચાલી રહી છે.
આંગણવાડી કેન્દ્ર એકના 35 કરતાં વધુ બાળકોને આંગણવાડી કાર્યકર બહેન એક વર્ષ ઉપરાંતથી પોતાના ઘરે બેસાડી રહ્યા હોય ત્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ બાબતે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી હાથ ધરીને ગ્રાન્ટ મળી તે મુજબની કામગીરી કરાઇ છેકે નહી તેની તપાસ કરવામાં આવે તે પણ જરૂરી છે.
આંગણવાડી કેન્દ્ર એકના નવીન મકાનની કામગીરી 13/4/2023 ના રોજ શરૂ કરી દેવામાં આવી હતી. એક વર્ષ ઉપરાંત નો સમય વિતવા છતાં હજુ પણ આંગણવાડી કેન્દ્ર એકની નવા મકાનની કામગીરી પૂર્ણ થઈ નથી. બસ સ્ટેશન પાસે બની રહેલ નવીન આંગણવાડી કેન્દ્ર એકની રૂપિયા 6.99 લાખમાંથી મોટા ભાગની ગ્રાન્ટ ફળવવામાં આવી હોવા છતાં કામગીરી હજુ અધુરી હોય ત્યારે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ દ્વારા આ ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લઈને આ બાબતે તપાસ કરવામાં આવે તો ખરી હકીકત બહાર આવે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી, આંગણવાડી કેન્દ્ર એકની કાર્યકર બહેન દોઢ વર્ષ ઉપરાંતથી આંગણવાડી કેન્દ્ર ખાતે આવતાં બાળકોને પોતાના ઘરે બેસાડીને પોતાની નૈતિક ફરજ બજાવી રહ્યા હોય ત્યારે સંબંધિત તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતે હજુ સુધી કોઈ ગંભીરતા લેવામાં નહીં આવી હોવાથી આ સામે વાલીઓનો છુપો રોષ સંબંધિત તંત્ર સામે જોવા મળી રહયો હતો.