– ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ ઉપર પણ આક્ષેપો કરતાં મરિયમે કહ્યું : તે ટોળકી અરાજકતા ફેલાવવા અને રાજ્યને નુકસાન કરવા પર જ ધ્યાન આપે છે

લાહોર, ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતનાં મુખ્યમંત્રી મરીયમ નવાઝે જેલમાં રહેલા પૂર્વવડા પ્રધાન ઇમરાનખાન ઉપર ગંભીર આક્ષેપો મુક્યા છે. તેઓએ કહ્યું ઇમરાનનાં નિવાસ સ્થાનનો ઉપયોગ આતંકવાદીઓને તાલિમ આપવા માટે થાય છે. ત્યાં પેટ્રોલ બોમ્બ બનાવવામાં આવે છે, અને દેશમાં હુમલા કરવાની તાલિમ અપાઈ રહી છે.

તેઓએ કહ્યું કે ૪ મહિના દરમિયાન ખાને ૯મી મે ૨૦૨૩ના દિવસે સરકારી મકાનો અને મુખ્ય સૈન્ય શિબિરો ઉપર હુમલાની યોજના ઘડી હતી ત્યારે પાકિસ્તાન તહેરિક એ ઇન્સાફના (પીટીઆઈ)ના નેતાએ પોતાના પગમાં ઘા વાગ્યો હોવાનું નાટક કર્યું હતું.

એક્સપ્રેસ ટ્રિબ્યુનલ રીપોર્ટ પ્રમાણે મરિયમે પીટીઆઈની ઉગ્ર ટીકા કરતાં તેની ઉપર દેશમાં અરાજકતા ફેલાવવાના અને રાજ્યને નુકસાન પહોંચાડવા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાના આક્ષેપો કર્યા હતા.

મરિયમ નવાઝ, પાકિસ્તાન મુસ્લીમ લીગ (નવાઝ)ના સુપ્રીમો નવાઝ શરીફનાં પુત્રી છે. તેઓએ આક્ષેપ કર્યો છે કે ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ખાનનું નિવાસ સ્થાન તો આતંકીઓનું તાલિમ કેન્દ્ર બની ગયું છે.

ઇમરાન ખાનની એન.એ.બી દ્વારા ૧૯કરોડ પાઉન્ડના ભ્રષ્ટાચાર માટે ધરપકડ કરવામાં આવી હતી. તે દિવસે ૯મીમેના દિવસે જ દેશભરમાં હિંસા ભડકી ઉઠી હતી. જેમાં ગત વર્ષે ૯મી મેના દિવસે જ પીટીઆઈ કાર્યકરોએ અને તેના સમર્થકોએ સેનાનાં મુખ્ય મથક તથા સ્મારકો સહિત અનેક શિબિરો ઉપર હુમલા કર્યા હતા, તોડફોડ કરી હતી. તે પછી ઇમરાન ખાનની પોલીગ્રાફિક તપાસ કરવા માટે ૧૨ સભ્યોની એક ટુકડી રચાઈ છે. તેમની સાથે, પંજાબ ફોરેન્સિક સાયન્સના વિશેષજ્ઞાો પણ છે. આ પીએફએસના એક્ષપર્ટસ પોલીગ્રાફી તપાસ કરશે અને તેઓના અવાજની પણ તપાસ કરશે.

આ અંગે નિરીક્ષકો તેવી ભીતિ સેવી રહ્યા છે કે આ બધી તપાસ, વિશ્લેષણ વગેરે તો એક નાટક જ છે. શહબાઝ શરીફની સરકાર અને મરીયમ નવાઝની સરકાર તથા પાકિસ્તાન લશ્કરના માંધાતાઓ ગમે તેમ કરીને ઇમરાન ખાનને ફસાવીને જ રહેશે. તેઓને જેલમાંથી બહાર નીકળવાના તમામ કાનૂની માર્ગો એક યા બીજી રીતે બંધ કરી દેશે અને કદાચ જેમ ઝૂલ્ફીકાર અલી ભુટ્ટો અને બેનઝીર ભુટ્ટો ઝરદારીને પણ ખતમ કરી નાખ્યા હતા તેમ ઇમરાન ખાનને પણ ખતમ કરી નાખવા જાળ ગૂંથાઈ રહી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *