અમદાવાદ,બુધવાર

શહેરના વિવિધ ટ્રાફિક પોઇન્ટ પર ટીઆરબી કે પોલીસ દ્વારા ટ્રાફિક
નિયમોના ભંગ બદલ વસુલવામાં આવતી રકમના બદલામાં ૩૦૦ રૂપિયા સુધીની રકમ લઇને  મેમો નહી આપવામાં આવતા હોવાની ફરિયાદ એસીબીને મળી
હતી. જેના આધારે એસીબીએ કાલુપુર રેલવે સ્ટેશન પાસે અને ઉલારીયા ચાર રસ્તા પાસે ડીકોય
કરીને હેડ કોન્સ્ટેબલ અને પોલીસ માટે કામ કરતા ખાનગી વ્યક્તિને ઝડપીને કાયદેસરની કાર્યવાહી
કરી હતી.
એસીબીના અધિકારીઓએ બાતમીને આધારે મંગળવારે સાંજના સમયે કાલુપુર
રેલવે સ્ટેશનના ઇન ગેટ પાસે ડીકોય યોજી હતી. જેમાં એસીબીના અધિકારીઓ જે કારમાં પેસેન્જર
તરીકે બેઠા હતા. તે કારને અશોક પટણી નામના હેડ કોન્સ્ટેબલે  રોકીને કારને પાર્કિગમાં મુકી ન હોવાનું કહીને મેમો
નહી આપવાના બદલામાં ૫૦૦ની માંગણી કરી હતી. જેમાં રકઝકના અંતે ૩૦૦ રૂપિયા લેતા તેને
ઝડપી લેવામાં આવ્યો હતો.  અન્ય ડીકોયમાં એસીબીના
અધિકારીઓએ ચાંગોદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઉલારીયા ચાર રસ્તા પાસે ડીકોય કરી હતી.
જેમાં પોલીસ વતી એક ખાનગી વ્યક્તિ વિવિધ વાહનો રોકીને લોકો પાસેથી નાણાં પડાવતો હતો.
તેણે એસીબીના સ્ટાફ સાથે રહેલી એક લોડીંગ રીક્ષાના ચાલકને એક હજારનો દંડ નહી આપવાના
બદલામાં ૨૦૦ રૂપિયાની માંગણી કરી હતી. જેમાં રકઝકના અંતે તે ૧૦૦ રૂપિયા લેતો ઝડપાયો
હતો.  પુછપરછમાં તેનું નામ ફારૂક કરાર (રહે.
મકરબા) હોવાનું જાણવા મળ્યું હતું.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *