Delhi Liquor Policy Scam: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે ફરી દિલ્હી લિકર પોલિસી કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. આ કેસની સુનાવણી અંતે કોર્ટે કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ તિહાર જેલ મોકલી દીધા છે. જો કે, હવે કેજરીવાલ જેલમાં હશે ત્યારે તેમના પર પણ એ જ નિયમ અને કાયદા લાગુ થશે જે સામાન્ય કેદીઓને લાગુ પડે છે. જેલમાં દરેક વસ્તુ માટે એક નિયમ છે. હવે કેજરીવાલે હજુ રાજીનામું આપ્યું નથી અને તેઓ હજુ પણ મુખ્યમંત્રી છે, ત્યારે સવાલ એ થાય છે કે શું તેઓ જેલમાંથી સરકાર ચલાવી શકશે?
શું કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકે છે?
એક અહેવાલમાં તિહાર જેલના સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, કેજરીવાલ ન્યાયિક કસ્ટડીમાં રહીને સરકાર ચલાવી શકે છે. દિલ્હી જેલ અધિનિયમ અનુસાર કોઈપણ જગ્યા કે ઈમારતને જેલ જાહેર કરી શકાય છે અને કેજરીવાલ ત્યા રહીને સરકાર ચલાવી શકે છે, પરંતુ આ સત્તા ઉપરાજ્યપાલ પાસે છે. જ્યારે સહારા ગ્રુપના વડા સુબ્રત રોય તિહાર જેલમાં બંધ હતા ત્યારે જેલના એક સંકુલને જેલ જાહેર કરવામાં આવી હતી. ત્યા ઈન્ટરનેટ, ફોન અને વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા હતી. અહીં રહીને સુબ્રત રોયે પોતાની સંપત્તિ વેચીને લોન ચૂકવી દીધી હતી, ત્યારે જ તેમને જામીન મળ્યા હતા.’ જો કે કેજરીવાલના કેસમાં આવું થવાની શક્યતા ઘણી ઓછી છે. કારણ કે, કેજરીવાલ અને ઉપરાજ્યપાલ વી.કે. સક્સેના વચ્ચે જે પ્રકારનો સંબંધ છે તેને જોતા તેમને કોઈ સુવિધા મળે તેવી શક્યતા ઓછી લાગે છે. એટલું જ નહીં વી.કે. સક્સેનાએ દિલ્હી લિકર પોલિસી કેસની સીબીઆઈ તપાસની ભલામણ પણ કરી હતી.
આવી સ્થિતીમાં જેલમાંથી સરકાર ચલાવવી અશક્ય
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આવી કોઈ સુવિધા આપવામાં આવે નહીં, તો જેલમાંથી સરકાર ચલાવવી લગભગ અશક્ય છે. જો કેજરીવાલને સામાન્ય કેદીની જેમ રાખવામાં આવે તો જેલમાં રહીને કોઈપણ ફાઈલ પર સહી કરવી મુશ્કેલ છે. દિલ્હીના જેલ મેન્યુઅલ અનુસાર, કોઈપણ કેદી જેલમાં આવે છે, જેલ પ્રશાસનને 10 લોકોના નામ આપવાના હોય છે. જેલમાં હોય ત્યારે માત્ર આ 10 લોકો સાથે વાત કરી શકાય છે અને મળી શકે છે. આ 10 લોકોમાંથી કોઈ પણ ટેલિફોન કોલ કરીને જેલ પ્રશાસનને કહી શકે છે કે તે કેદીને કયા દિવસે મળવા આવવા માગે છે. ત્યારબાદ જેલ પ્રશાસન પોતે તારીખ અને સમય આપે છે. કેદીને અઠવાડિયામાં માત્ર બે વાર અડધો કલાક મળી શકે છે. કેદીને એક સમયે માત્ર ત્રણ જ લોકો મળી શકે છે. મુલાકાતનો સમય સવારે 9:30થી બપોરે 12:30 સુધીનો રહે છે. મુલાકાત દરમિયાન કેદી એક તરફ હોય છે અને તેને મળનાર વ્યક્તિ બીજી બાજુ હોય છે, વચ્ચે લોખંડની જાળી હોય છે.
જેલમાંથી સરકાર ચલાવવી મુશ્કેલ
એવા કોઈ નિયમ કે કાયદા નથી કે જે કેજરીવાલને જેલમાંથી સરકાર ચલાવવા રોકી શકે. જો કે, તે પછી પણ જેલમાંથી સરકાર ચલાવવી મુશ્કેલી ભર્યું કામ છે. જ્યાં સુધી કેદી જેલમાં હોય છે, ત્યાં સુધી તેની તમામ ગતિવિધિઓ કોર્ટના આદેશ પર નિર્ભર હોય છે. કેદી તેના વકીલ દ્વારા કોઈપણ કાયદાકીય દસ્તાવેજ પર સહી કરી શકે છે, પરંતુ કોઈપણ સરકારી દસ્તાવેજ પર સહી કરવા માટે કોર્ટની મંજૂરી લેવી પડે છે. આ ઉપરાંત જેલમાં બંધ નેતા ચૂંટણી લડી શકે છે અને ગૃહની કાર્યવાહીમાં પણ ભાગ લઈ શકે છે, પરંતુ ત્યા કોઈપણ પ્રકારની બેઠક યોજી શકે નહીં. ઈડીએ જાન્યુઆરીમાં હેમંત સોરેનની ધરપકડ કરી ત્યારે પીએમએલએ કોર્ટ તેમને વિશ્વાસ મતમાં ભાગ લેવાની મંજૂરી આપી હતી.
કોર્ટની મંજૂરી લેવી પડે છે
ઈડીની કસ્ટડીમાં કેજરીવાલે બે સરકારી આદેશો જાહેર કર્યા હતા. પરંતુ દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ પણ એક કાર્યક્રમમાં સ્પષ્ટ કર્યું હતું કે સરકાર જેલમાંથી નહીં ચાલે. આથી કેજરીવાલ ઈચ્છે તો સરકાર ચલાવી શકે છે, પરંતુ તેમણે કોર્ટની મંજૂરી લેવી પડશે. આવી સ્થિતિમાં જો તે કોઈપણ ફાઈલ પર સહી કરવા કેબિનેટની બેઠક યોજવા અથવા કોઈ નિર્ણય લેવા માંગે છે, તો કોર્ટની મંજૂરી લેવી પડશે. જો કોર્ટની મંજૂરી વગર કોઈ નિર્ણય લેવામાં આવે તો તેને પડકારવામાં આવી શકે છે.
જેલના નિયમો અને કાયદા
જેલ મેન્યુઅલ અનુસાર, જ્યારે કેદીને જેલમાં લાવવામાં આવે છે, ત્યારે તેને 24 કલાકની અંદર તબીબી સારવાર આપવામાં આવે છે. કેદીને ધાબળા, ચાદર, વાસણો અને અન્ય જરૂરી વસ્તુઓ આપવામાં આવે છે. કેદી પાસે જે કંઈ છે તે લઈ લેવામાં આવે છે. તે રજીસ્ટરમાં નોંધાયેલ છે. કેદી જેલમાં આવે કે તરત જ તેને પોતાને અને પોતાના કપડાને સારી રીતે સાફ કરવાનું પણ કહેવામાં આવે છે. જેલમાં કેદી તેના મિત્રો, પરિવારજનો અને સંબંધીઓને ગમે તેટલા પત્રો લખી શકે છે. જો કે, સરકાર દ્વારા દર મહિને માત્ર ચાર પોસ્ટ કાર્ડ આપવામાં આવે છે, પરંતુ જો કેદી વધુ પોસ્ટ કાર્ડની માંગણી કરે તો તેને આપવામાં આવે છે. કેદીને મળવા આવનાર દરેક વ્યક્તિની મુલાકાત પહેલા અને પછી તપાસ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ શોધ કરવાનો ઈનકાર કરે છે, તો તેને કેદીને મળવાની મંજૂરી આપવામાં આવતી નથી.
21મી માર્ચે કેજરીવાલની ધરપકડ થઈ હતી
કેજરીવાલ દિલ્હીના લિકર પોલિસી કેસ પણ સંડોવાયેલા છે. આ કેસમાં તેમની ભૂમિકાની તપાસ માટે ઈડીએ કેજરીવાલને નવ સમન્સ પાઠવ્યા હતા. ઈડીએ બીજી નવેમ્બર 2023માં પહેલું સમન્સ મોકલ્યું હતું. પરંતુ કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર થયા ન હતા. 21મી માર્ચે કેજરીવાલે ધરપકડમાંથી રાહત માટે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેને હાઈકોર્ટે પણ ફગાવી દીધી હતી. ત્યાર પછી તે દિવસે સાંજે સાત વાગ્યે ઈડીની ટીમ 10મું સમન્સ લઈને કેજરીવાલના ઘરે પહોંચી હતી. ઈડીની ટીમે કેજરીવાલની બે કલાક સુધી પૂછપરછ કરી હતી. પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલ એવા પહેલા મુખ્યમંત્રી છે જેમને પદ પર રહીને ધરપકડ કરવામાં આવી છે. બીજા જ દિવસે રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને 28મી માર્ચ સુધી ઈડી રિમાન્ડ પર મોકલી દીધા હતી. 28મી માર્ચે કોર્ટે કેજરીવાલને પહેલી એપ્રિલ સુધીના રિમાન્ડ પર મોકલી દીધા હતી. હવે સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. ઈડીએ કોર્ટમા દાવો કર્યો છે કે, કેજરીવાલ તપાસમાં સહકાર નથી આપી રહ્યા.