Delhi Liquor Policy Scam : દિલ્હી લિકર પોલીસી કેસમાં જેલમાં બંધ તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ (KCR)ની પુત્રી અને BRS નેતા કે.કવિતા (K Kavitha)એ પુત્રની પરીક્ષા માટે વચગાળાના જામીન માગ્યા છે. આ મામલે આજે દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનવાણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે અને આગામી સુનાવણી આઠ એપ્રિલે હાથ ધરશે.
કે.કવિતાના વકીલે શું કહ્યું ?
કે.કવિતાના વકીલ અભિષેક મનુ સિંઘવિએ કહ્યું કે, મેં આજે માત્ર વચગાળાના જામન પર દલીલ કરી છે. ગત સુનાવણી વખતે રજુ કરેલી દલીલોનો મુખ્ય જામીનમાં ઉપયોગ કરવામાં આવશે. આરોપી મહિલાના બાળકની એપ્રિલમાં પરીક્ષા યોજાવાની છે. એવું નથી કે બાળક ખોળામાં છે કે નાનું છે. તે 16 વર્ષનો છે, આવી સ્થિતિમાં માતાનું નૈતિક અને ભાવનાત્મક સમર્થન ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે કંઈપણ થયું તે આઘાતજનક છે. 16 વર્ષના બાળક માટે કોઈપણ માતાનો અભાવ પિતા અથવા બહેન પૂરો ન કરી શકે. એક માતાના ભાવનાત્મક સમર્થનને એક માસી પણ પૂરી ન કરી શકે. તેમનો મોટો પુત્ર પણ માત્ર 19 વર્ષનો છે અને તે સ્પેનમાં અભ્યાસ કરે છે. માતા જેલમાં ગયા બાદ મોટો પુત્ર તેમને મળી પણ શક્યો નથી અને તે સ્પેન પરત જતો રહ્યો છે.
કવિતાના વકીલની દલીલ સામે EDએ શું કહ્યું?
કવિતાના વકીલે કોર્ટમાં દલીલ રજુ કર્યા બાદ ઈડીએ પણ કોર્ટમાં દલીલ રજૂ કરી છે. ઈડીએ કહ્યું કે, નિવેદન બદલવા માટે બેથી ત્રણ સાક્ષીઓ પર દબાણ કરવામાં આવ્યું છે, જેમાંથી એક-બે લોકો પર દબાણ કરવામાં તેઓ સફળ પણ રહ્યા છે. જ્યારે ત્રીજો વ્યક્તિ અમારી પાસે આવ્યો અને કહ્યું કે, મારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે. પુરાવાઓને નષ્ટ કરવામાં આવી રહ્યા છે. ઈડીએ કહ્યું કે, કવિતાની ત્રણ બહેનો છે, જે બાળકના ભાવનાત્મક સમર્થન માટે હાજર છે.
કવિતા-EDની દલીલ બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો
બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલીસી કૌભાંડ કેસમાં તિહાડ જેલમાં બંધ આરોપી કે.કવિતાની વચગાળાની જામીન પરની અરજી પરનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કોર્ટે આગામી સુનાવણી આઠ એપ્રિલે હાથ ધરશે.