ગુનો છૂપાવી મૃતદેહને સ્મશાને લઈ જવાતો હતો ત્યારે પોલીસ દોડી : મૃતકના પતિએ જાણ કરતાં પૂરાવાનો નાશ થતો અટકાવાયો : લગ્ન વગર જેની સાથે રહેતી હતી તે શખ્સ અને તેની માતાએ મારી નાખ્યાની ફરિયાદ
પોરબંદર: પોરબંદરમાં મહિલાની રહસ્યમય રીતે હત્યા થઇ છે જેમાં તે લગ્ન વગર જેની સાથે સાડા નવ વર્ષથી રહેતી હતી તે શખ્શ અને તેની માતાએ સાથે મળીને આ મહિલાનુ ઢીમ ઢાળી દીધુ હતુ અને સ્મશાને અંતિમવિધી માટે લઇ જવાતી હતી ત્યારે આ મહિલાના મૂળ પતિને કોઇએ જાણ કરતા તેણે પોલીસને જાણ કરી હતી. તેથી મૃતદેહને સ્મશાનના બદલે હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમે લઇ જવાતા હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.
જાણવા મળતી વિગત પ્રમાણે પોરબંદરના કર્લીપુલ નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સંગીતા નામની 48 વર્ષની મહિલાની બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી હતી. બનાવની જાણ પોલીસને થતા સમગ્ર પ્રકરણમાં રહસ્યમય વળાંક આવ્યો હતો. અને આ મહિલા જેની સાથે છેલ્લા સાડાનવ વર્ષથી લગ્ન વગર રહેતી હતી તેવા સાજન કાલુ ડાભી નામના શખ્શ તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યુ હતુ.
મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ભુસાવલ ગામે તથા હાલ પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલની સામે ફૂટપાથ પર રહેતા અને રાકેશ ઉર્ફે રાજુ સોમનાથ ગાયકવાડ નામના ૫૪ વર્ષના આધેડે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે બાર વર્ષ પહેલા તે અમદાવાદની સરખેજ ખાતે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો ત્યારે સંગીતા તુકારામ માંગ સાથે ફૂલહાર પહેરાવીને લગ્ન કરી લીધા હતા અને દોઢ વર્ષ જેટલો સમય અમદાવાદ રહ્યા બાદ દશેક વર્ષ પહેલા તે તથા સંગીતા પોરબંદર રહેવા માટે આવી ગયા હતા. રેલ્વેસ્ટેશન સામેના ભાગે ફૂટપાથ પર સંગીતા સાથે રહેતો હતો અને ભંગાર એકત્ર કરવાનુ મજૂરી કામ કરતો હતો. ત્યારબાદ પોરબંદરની ચોપાટી ખાતે ફૂટપાથ પર રહેવા ચાલ્યા ગયા હતા તે સમયે ત્યાં ફૂટપાથ પર સાજન કાલુ ડાભી તથા તેની માતા ફુલીયાબેન અને બહેન રેખા તથા બનેવી લખન પણ ત્યાંજ રહેતા હતા. પત્ની સંગીતાને સાજન સાથે પ્રેમસંબંધ થઇ જતા તે રાકેશ ઉર્ફે રાજુને છોડીને સાડા નવ વર્ષ પહેલા સાજન ડાભી સાથે રહેવા ચાલી ગઇ હતી. સંગીતા જેની સાથે રહેવા ગઇ હતી તે સાજનને દારૂ પીવાની ટેવ હતી તેથી બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડા થતા હતા તેમજ સાજન અને તેની માતા ફુલીયાબેન સંગીતાને અવારનવાર મારકૂટ પણ કરતા હતા પરંતુ સંગીતા તેની સાથે રહેવા ચાલી ગઇ હોવાથી ફરીયાદી રાકેશ તેની સાથે બોલતો ન હતો.
ફરિયાદમાં રાકેશ ઉર્ફે રાજુએ જણાવ્યુ હતુ કે સવારે છ વાગ્યાના સુમારે તે હોસ્પિટલની સામે ફૂટપાથ ઉપર હતો ત્યારે એક લાલ રંગના ટ્રેકટરમાં સ્મશાનયાત્રા નીકળતી હતી અને એ ટ્રેકટરમાં સાજન ડાભી તથા તેની માતા ફુલીયાબેન અને બહેન રેખા અને બનેવી લખન ઉપરાંત ટ્રેકટરચાલક પોખરાજ જતા હતા. ટ્રેકટરની ટ્રોલીના ફાલકા બંધ હતા. આથી આ ટ્રેકટરને પોતે જોતા અંદાજે સાડા છ વાગ્યે તેના ફોન ઉપર કર્લીપુલ નજીક ઝૂપડપટ્ટીમાં રહેતા રાકેશના સંબંધી મંગલભાઇનો ફોન આવ્યો હતો કે, ‘તારી અગાઉની પત્ની સંગીતાને તે જેની સાથે રહે છે તે સાજન કાલુ ડાભી અને તેની મા ફૂલીયાબેન વગેરેએ મારી નાખી છે અને તેને લઇ ગયા છે. આથી ફરીયાદી યુવાને તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને સ્મશાને લઇ જવાઇ રહેલ મૃતદેહને સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.
પોરબંદરમાં સંગીતાની અંતિમવિધિ થાય તે પૂર્વે જ સમયસર પહોંચેલ પોલીસે તેના મૃતદેહની પોસ્ટમોર્ટમની વિધિ હાથ ધરવાની સાથોસાથ સ્મશાનયાત્રાએ જઇ રહેલા લોકોની પૂછપરછ કરતા એવું બહાર આવ્યુ હતુ કે સંગીતાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. આથી મૃતદેહનું પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવતા દોરીથી ગળાફાંસો આપવા ઉપરાંત લાકડાના ધોકા જેવા બોથડ પદાર્થ વડે તેને માર મારવામાં આવ્યો છે. તેથી અંતે રાકેશ ઉર્ફે રાજુએ સંગીતાની હત્યાનો ગુન્હો સાજન તથા ફુલીયાબેન સામે નોંધાવ્યો છે ત્યારે પોલીસે આ બનાવમાં આગળની તપાસ હાથ ધરી છે.