પોરબંદરના કર્લીપૂલ નજીક ઝુંપડપટ્ટીમાં
લગ્ન વગર જેની સાથે રહેતી હતી તેણે જ વારંવારના ઝગડા વધતા ઢોર માર મારતા મોત
પોરબંદર: પોરબંદરના કર્લીપુલ નજીકની ઝૂપડપટ્ટીમાં લગ્ન વગર જેની સાથે રહેતી હતી તે મહિલાને એ શખ્શ અને તેની માતાએ મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ બન્યો હતો જેમાં પોલીસે માતા-પુત્રની ધરપકડ કરી લીધી છે.
કર્લીપુલ નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતી સંગીતા નામની ૪૮ વર્ષની મહિલાને બોથડ પદાર્થ વડે ક્રતાપૂર્વક પતાવી દેવામાં આવી હતી અને તેની સ્મશાનયાત્રા પણ કાઢી લેવામાં આવી હતી પરંતુ તેના પતિ રાકેશ ઉર્ફે રાજુ સોમનાથ ગાયકવાડે સમયસર પોલીસને જાણ કરી દેતા હત્યાના બનાવનો ભાંડો ફૂટયો હતો જેમાં આ મહિલા જેની સાથે લગ્ન વગર રહેતી હતી તે કર્લીપુલની ઝૂંપડપટ્ટીમાં રહેતા સાજન કાલુ ડાભી અને તેની માતા ફુલીયાબેને હત્યા કર્યાનું બહાર આવતા ગુન્હો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને બંને માતા-પુત્રને પકડી પાડયા છે જેમાં પૂછપરછમાં કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સાજણ કાલુ ડાભીએ એવી કબુલાત આપી હતી કે સંગીત સાથે તેને અવારનવાર ઝઘડા થતા હતા તેથી તે ચાર થી પાંચ મહિના સુધી અન્યત્ર રહેવા ચાલી જતી હતી. જે રાત્રે હત્યા થઇ ત્યારે ભોજન બાબતે ઝઘડો થયો હતો અને ત્યારબાદ સાજન અને તેની માતા ફુલીયાબેને સંગીતાને ઢોર માર માર્યો હતો અને તે લોહીલુહાણ હાલતમાં ઝૂંપડામાં જ પડેલી રહી હતી. જો તેને સમયસર સારવાર આપવામાં આવી હોત તો તેનો જીવ બચી જાત પરંતુ તેવુ કરવાના બદલે તેને એજ પરિસ્થિતિમા રહેવા દેવાઇ હતી અને સવાર સુધીમાં તેનુ પ્રાણ પંખેરુ ઉડી ગયુ હતુ. વારંવાર બંને વચ્ચે ઝઘડા થતા હોવાથી અંતે આ કૃત્યને અંજામ આપ્યો હોવાનુ બન્નેએ કબુલતા પોલીસ દ્વારા તેઓના રીમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.