– ભાવનગર નશીપરના પશુપાલકની 16 વર્ષની દીકરીને તેમની બહેનનો જ દીકરો વિશાલ પરમાર ભગાવી લાવતા પરત લઈ જઈ ઘડિયા લગ્ન કરાવ્યા હતા

– જોકે, લગ્નના 10 દિવસ બાદ વિશાલ ફરી પિતરાઈ બહેનને ભગાવીને સુરત લાવતા તેને શોધવા પરિવાર સુરત આવ્યો હતો

સુરત, : ભાવનગર નશીપરના પશુપાલકની 16 વર્ષની દીકરીને તેના લગ્ન બાદ તેમની બહેનનો જ દીકરો બીજી વખત ભગાવીને સુરત લાવતા તેને શોધવા આવેલા પશુપાલક, તેમના મોટા ભાઈ અને દીકરા ઉપર બહેનના ચાર દીકરાઓને જીવલેણ હુમલો કરતા મોટા ભાઈનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.જયારે પશુપાલકને ગંભીર ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.બનાવ અંગે પુણા પોલીસે હત્યા, હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી ચારેય ભાઈઓની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાવનગરના વલભીપુર તાલુકાના નશીપર ગામમાં રામપીર મંદિરની પાછળ રહેતા પશુપાલક બાબુભાઈ જશમતભાઈ વાઘેલાની 16 વર્ષની દીકરી સોનલને મૂળ ભાવનગરના તળાજાના થાડીસ ગામનો વતની અને સુરતમાં પરવત પાટીયાથી રેશ્મા રો હાઉસ ચાર રસ્તા તરફ આવતા એસએમસી પાર્કીગની બાજુમાં નીલગીરી પોપડામાં ઝૂપડામાં રહેતો તેમની બહેનનો દીકરો વિશાલ માઠુભાઇ પરમાર એક મહિના અગાઉ ભગાડીને સુરત લાવ્યો હતો.ત્રીજા દિવસે સોનલના પિતા બાબુભાઈ, કાકા મનસુખભાઈ અને ભાઈ વિક્રમ સુરત આવ્યા હતા અને વિશાલ પાસેથી સોનલને લઈ વતન પહોંચી સાતથી આઠ દિવસમાં તેના લગ્ન મોરબી વાંકાનેરના ગારીડા ખાતે રહેતા બહાદુર જગુભાઈ સાડમીયા સાથે કર્યા હતા.

જોકે, લગ્નના 10 દિવસ બાદ બહાદુરે બાબુભાઈને ફોન કરી જાણ કરી હતી કે સોનલ જતી રહી છે, ક્યાં ગઈ છે ખબર નથી.મારા ફોનમાં વિશાલના ફોન આવે છે અને તે પોતાના સોનલ સાથેના ફોટા પણ મોકલે છે.તમે સોનલને શોધી આપો.આથી ગતરોજ સવારે 11 વાગ્યે બાબુભાઈ તેમના મોટા ભાઈ મનસુખભાઈ અને પુત્ર વિક્રમ સાથે ફરી સુરત આવ્યા હતા.તેમણે વિશાલના ઝુંપડા પાસે પહોંચી ત્યાં હાજર વિશાલ, તેના ભાઈઓ વનરાજ ઉર્ફે વનુરો, મુકેશ ઉર્ફે પ્રકાશ અને શૈલેષ ઉર્ફે હાદાને સોનલ અંગે પૂછતાં ચારેયે ઉશ્કેરાઈને લોખંડના સળીયા, પાઈપ, પથ્થર અને લાકડા વડે બાબુભાઈ અને મનસુખભાઈ ઉપર હુમલો કરતા વિક્રમ તેમને બચાવવા વચ્ચે પડયો તો તેને પણ માર માર્યો હતો.હુમલામાં મનસુખભાઈનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.જયારે બાબુભાઈને ગંભીર ઇજા થતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

બનાવની જાણ થતા દોડી ગયેલી પુણા પોલીસે વિક્રમની ફરિયાદના આધારે ચારેય ભાઈઓ વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.પોલીસે તેમની પુછપરછ કરી હતી.પણ તેમણે સોનલ ક્યાં છે તે અંગે કશું જાણતા ન હોવાનું જણાવ્યું હતું.વધુ તપાસ પીઆઈ એમ.સી.નાયક કરી રહ્યા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *