India Defence Exports : ભારતે 21 હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ સાધનોની નિકાસ કરી સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં નવો રેકોર્ડ નોંધાયો છે. આ બાબતને ખૂબ જ મોટી સફળતા ગણાવી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) કહ્યું કે, ભારતે 84 દેશોમાં સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી આશ્ચર્યજનક લક્ષ્ય હાંસલ કર્યું છે. નાણાંકીય વર્ષમાં સંરક્ષણ નિકાસમાં 32.5 ટકાનો ઉછાળો નોંધાયો છે.
ભારતે રૂ.21,083 કરોડની સંરક્ષણ નિકાસ કરી
રાજનાથ સિંહે એક પોસ્ટમાં કહ્યું કે, ભારતે પ્રથમવાર વર્ષ 2023-24માં 21,083 કરોડ રૂપિયાની સંરક્ષણ નિકાસ કરી અને હવે આપણો દેશ સૌથી વધુ સંરક્ષણ આયાત કરનાર દેશમાંથી બહાર આવી સૌથી મોટા નિકાસકાર દેશ બનવાની દિશા તરફ આગળ વધ્યું છે. સંરક્ષણ મંત્રાલયે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ઘણા આવા પગલા ઉઠાવ્યા છે, જેના કારણે ભારતે એક મોટી સફળતા હાંસલ કરી છે.
50 ભારતીય કંપનીઓનું પણ મહત્વનું યોગદાન
તેમણે કહ્યું કે, દેશના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને પ્રેરિત કરવા ઉપરાંત ટેકનિકલ મામલે આધુનિક સુવિધા વધારાતા સંરક્ષણ નિકાસમાં વધારો થયો છે. આવી સુવિધાઓ વધવાના કારણે સરકારી અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ માટે પણ ઉત્સાહજનક વાતાવરણ ઉભું થયું છે. સંરક્ષણ ક્ષેત્રે ભારતની નિકાસ વધારવામાં 50 ભારતીય કંપનીઓએ પણ મહત્વનું યોગદાન આપ્યું છે.
ALH હેલિકોપ્ટર, કોસ્ટલ સર્વેલન્સ સિસ્ટમ વગેરેની નિકાસ
ભારતની સંરક્ષણ નિકાસ વિશ્વના ખૂણે ખૂણાં સુધી પહોંચી રહી છે. ભારત દ્વારા ઈટાલી, માલદીવ, શ્રીલંકા, રશિયા, યુએઈ, પોલેન્ડ, ફિલિપાઈન્સ, સાઉદી અરેબિયા, ઈજિપ્ત, ઈઝરાયેલ, સ્પેન, ચિલી સહિત ઘણા દેશો સુધી સંરક્ષણ નિકાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભારતીય સંરક્ષણ સાધનોની વિશ્વભરમાં માંગ વધી રહી છે.