હાલોલમાં 38મી રથયાત્રા શ્રી જગન્નાથ રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા યોજાઈ,
ગોધરામાં ચોર્યાસી બ્રાહ્મણ પંચનાં નેજા હેઠળ નીકળેલી યાત્રામાં ભક્તો જોડાયા
 આખા રસ્તે ડીજે ઢોલ ભજન વર્લ્ડ કપ અને શ્રીરામની ઝાંખીઓએ ભારે આકર્ષણ જણાવ્યું હતું

દાહોદમાં અષાઢી બીજે સવારે ભગવાન જગન્નાથજીની 17મી રથયાત્રા શાહી અંદાજમાં નીકળી હતી. મહાનુભાવોએ પહિંદવિધિ કર્યા બાદ જગતના નાથ દાહોદવાસીઓના ખબર અંતરે નીકળ્યા હતા.

જય રણછોડ માખણ ચોરના ગગન ભેદી નારા વચ્ચે સમગ્ર શહેરમાં ભગવાન જગન્નાથના દર્શનાર્થે શહેરીજનો ઊમટી પડયા હતા. શાંતિપૂર્ણ રીતે ઉત્સાહભર્યા વાતાવરણમાં રથયાત્રા સંપન્ન થઈ હતી.

દાહોદમાં 2008થી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો શુભારંભ કરાયો હતો ત્યાર પછી દર વર્ષે રથયાત્રાનું આયોજન કરાય છે આ વખતે પણ પારંપરિક રીતે 17મી રથયાત્રા અષાઢી બીજ રવિવારે સવારે 9 કલાકે હનુમાન બજાર સ્થિત રણછોડરાયજી મંદિરથી નીકળી હતી.

જે પ્રસંગે જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ જિલ્લા કલેકટર દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ તથા દાહોદ ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ ચાંદીની સાવરણીથી પ્રભુના રથનો રસ્તો સ્વચ્છ કરી આરતી બાદ રથને પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રા હનુમાન બજારમાંથી આરંભ થઈ તેની સાથે સેવાભાવી ભાવિકોએ અલ્પાહારની ભરમાર શરૂ કરી હતી. ભાવિકોને વિવિધ વ્યંજનો પીરસવા ઠેર ઠેર તંબુ તાણ્યા હતા રણછોડરાયજી મંદિરે થઈને પડાવતી નેતાજી બજારથી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાજી વિસામો સોનીવાડમાં રાધાકૃષ્ણ મંદિરે કર્યો હતો. ત્યાં ભાવિકોએ મહાપ્રસાદીનો લાહોર લીધો હતો ત્યાર પછી રથયાત્રા ગોવિંદ નગરથી માણેકચોક નહેરુ બાગ જનતા ચોક એમજી રોડ પાલિકા થઈ પરત મંદિરે આવી હતી. આખા રસ્તે ડીજે ઢોલ ભજન વર્લ્ડ કપ અને શ્રીરામની ઝાંખીઓએ ભારે આકર્ષણ જણાવ્યું હતું. રસ્તા ઉપર ઠેર ઠેર વિવિધ સંગઠનો સમાજના અગ્રણીઓ દ્વારા જગતનાનાથનું ભવ્ય સ્વાગત કરાયું હતું. રથયાત્રામાં 500 કિલો જાંબુ અને અઢીસો કિલો મગની પ્રસાદીનું વિતરણ થયું હતું. રથનું પ્રસ્થાન થયાના થોડા સમય પછી અમી છાંટણા શરૂ થયા હતા. જોકે ત્યારબાદ ઉઘાડ નીકળતા રથયાત્રા પૂર્ણ થઈ હતી.

હાલોલમાં જગન્નાથજીની 38મી રથયાત્રા યોજાઈ

હાલોલ : હાલોલ નગર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની 38મી રથયાત્રા શ્રી જગન્નાથ રથયાત્રા ઉત્સવ સમિતિ હાલોલ, તેમજ હિન્દૂ સંગઠનો દ્વારા ભક્તિસભર વાતાવરણ માં કંજરી રામજી મંદિરના મહંત શ્રી રામશરણ દાસજી મહારાજ તેમજ અન્ય સંતો મહાસંતો ની ઉપસ્થિમાં હાલોલ નગર ની મધ્યમાં આવેલ મંદિર ફ્ળીયા ખાતેથી નીકળી હતી. રથયાત્રા મંદિર ફ્ળિયા ખાતેથી મેન બજાર, ચોકસી બજાર, ટાઉન હોલ, થઈ બોમ્બે હાઉસ તળાવ રોડ, બસસ્ટેન્ડ થઈ કંજરી રોડ ચાર રસ્તા, બગીચા તરફ્ થઈ મંદિર ફ્ળિયા ખાતે મોડી સાંજે પરત ફરી હતી. રથયાત્રાનું ભક્તો દ્વારા ઠેર ઠેર ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગોધરામાં જગન્નાથજીની રથયાત્રાની ભવ્ય ઉજવણી કરાઈ

ગોધરા : ગોધરામાં ચોર્યાસી બ્રાહ્મણ પંચનાં નેજા હેઠળ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના રથને રણછોડજી મંદિર ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રથયાત્રામાં જિલ્લા નિવાસી અધિક કલેકટર એમ.ડી.ચુડાસમા, પંચમહાલ ગોધરા રેન્જ આઇ.જી.પી.રાજેન્દ્ર અસારી, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એન.વી.પટેલ સહિત અધિકારીઓ જોડાયા હતા. શહેરા ભાગોળ, બાવાની મઢી, બગીચા રોડ, બસ સ્ટેન્ડ રોડ,લાલબાગ ટેકરી મંદિર, કલાલ દરવાજા, એલ.આઇ.સી.રોડ, વિશ્વકર્મા ચોક,પટેલવાડા, સોનીવાડ,લક્ષ્મીનારાયણ દેવ મંદિર થઈ મંદિર ખાતે પરત ફરી હતી. રથયાત્રા માં ફ્ણગાવેલા મગ,જાંબુ અને આમળાનો પ્રસાદ ભક્તોને વહેંચાયો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *