Tree Collapse in Jamnagar : જામનગરમાં તળાવની પાળે ચબૂતરા પાસે આજે સવારે એક ઝાડ એકાએક જમીનદોસ્ત થયું હતું, અને ત્યાં પાર્ક કરાયેલું એક સ્કૂટર ઝાડની નીચે દબાયું હતું. સદભાગ્યે આ સમયે કોઈ વ્યક્તિ ત્યાં ઉભા ન હોવાથી જાનહાની ટળી હતી.
જામનગરમાં લાખોટા તળાવની પાળે ગેઇટ નંબર ત્રણની સામેના ભાગમાં ચબૂતરા નજીક એક ઝાડ તેના મૂળમાંથી ઉખડીને જમીનદોસ્ત થઈ ગયું હતું. આ વેળાએ મોર્નિંગ વોકમાં નીકળેલી એક વ્યક્તિએ પોતાનું સ્કૂટર ઝાડની નીચે પાર્ક કર્યું હતું, જે સ્કૂટર દબાયું હતું, પરંતુ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી.
બાજુમાં જ ચબૂતરો આવેલો છે, અને પક્ષીઓ તેમજ માછલી વગેરેને ચણ નાખવા માટે લોકોની વહેલી સવારે ખૂબ ભીડ રહે છે. પરંતુ સદભાગ્યે આ ઝાડની નીચેના ભાગમાં કોઈ વ્યક્તિ ઊભી ન હોવાથી જાનહાની થઈ ન હતી. આ બનાવ અંગે ફાયર શાખાને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને કરવત વડે ઝાડની ડાળીઓ વગેરે કાપીને દૂર કરી હતી, તેમજ ઝાડ નીચે દબાયેલું સ્કૂટર બહાર કાઢી આપ્યું હતું.