યુવા નેતા… જેણે ભાજપનું વધાર્યું ટેન્શન

લોકસભા ચૂંટણી 2024 પહેલા પક્ષપલટાનો ખૂબ માહોલ જામ્યો છે. જો પક્ષ ચૂંટણી લડવા ટિકિટ ન આપે તો નેતાઓ રાતોરાત પક્ષપલટો કરીને વિચારધારા પણ બદલી નાંખે છે. જોકે ટિકિટ ન મળ્યા બાદ વિદ્રોહ કરીને અન્ય કોઈ પક્ષ નહીં પણ અપક્ષ ચૂંટણી લડીને જીતનારા નેતાઓની સંખ્યા ઓછી હોય છે. ભારતની બીજા નંબરની સૌથી મોટી બેઠક બાડમેરમાં આવા જ એક યુવા નેતા ઉભર્યા છે, જેમનો અંદાજ પણ અલગ છે અને જીત પણ શાનદાર છે. માત્ર 26 વર્ષની ઉંમરમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને હંફાવનાર આ નેતા આજે રાજસ્થાન જ નહીં સોશિયલ મીડિયાના કારણે દેશમાં પ્રખ્યાત છે. 

છાત્ર સંઘથી રાજકારણમાં ડગલાં માંડ્યા
રવીન્દ્ર ભાટી પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે જય નારાયણ વ્યાસ યુનિવર્સિટીમાં 57 વર્ષ બાદ કોઈ અપક્ષ ઉમેદવાર અધ્યક્ષ બન્યો. વર્ષ 2013માં જોધપુરમાં ભાટીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી જ ચૂંટણી લડવી હતી પરંતુ ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી અને જીતનો પરચમ લહેરાવ્યો. તે જ દિવસ રાજસ્થાનમાં રવીન્દ્ર સિંહ ભાટી સોશિયલ મીડિયામાં હંમેશા ટ્રેન્ડમાં રહેવા લાગ્યા હતા. 

પછી રાજસ્થાનમાં આવી વિધાનસભા ચૂંટણી, પાંચ વર્ષની અશોક ગેહલોત સરકાર સામે ભાજપે યુવાઓના અનેક મુદ્દા ચૂંટણી પ્રચારમાં ચગાવ્યાં. જોકે રવીન્દ્ર ભાટીએ ચૂંટણી લડવા ટિકિટ માંગી તો ન આપી. બાડમેરની શિવ વિધાનસભા બેઠક પર ભાટીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી અને કોંગ્રેસના 84 વર્ષના ધારાસભ્ય અમીન ખાનને મ્હાત આપી. 

50 વર્ષથી ચૂંટણી લડનાર કોંગ્રેસના વરિષ્ઠતમ નેતાને હરાવ્યા
ભાટી એક વર્ષ પહેલેથી જ બાડમેરમાં સક્રિય થઈ ગયા હતા, જેમાં શિવ વિધાનસભામાં રન ફૉર રેગિસ્તાનના નામથી યુવાનોનો એક મોટો કાર્યક્રમ કર્યો. જેમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા. વિધાનસભા ચૂંટણીના બે મહિના પહેલા જ એક યાત્રા કાઢી. આ યાત્રા દરમિયાન એક 80 વર્ષના વૃદ્ધ રવીન્દ્રસિંહને કહે છે, કે ‘હું જિંદગીના અંતિમ પડાવમાં છું, હવે બસ એટલી જ ઈચ્છા છે કે તું ધારાસભ્ય બની જાય તો મારા ગામમાં પાણીની સમસ્યાનું સમાધાન થઈ જાય.’ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. 

ભાજપમાં માત્ર સાત જ દિવસ રહ્યા, ટિકિટ ન મળતા કર્યો બળવો
ચૂંટણીના એક જ મહિના પહેલા રવીન્દ્ર સિંહ ભાટીએ કેસરીયો ખેસ ધારણ કરી લીધો અને ભાજપમાં સામેલ થયા. ભારતીય જનતા પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ નહોતા ઈચ્છતા કે ભાટી પક્ષમાં સામેલ થાય. ટિકિટની ચર્ચા શરૂ થઈ ત્યારે ક્ષેત્રના નેતાઓએ તાકાત લગાવી દીધી કે ગમે તેમ કરીને ભાટીને ટિકિટ મળવી જોઈએ નહીં. થયું પણ એવું જ, વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીના બે દિવસ પહેલા જ ભાજપે રવીન્દ્ર સિંહની જગ્યાએ સ્વરૂપસિંહ ખારાને ટિકિટ આપી દીધી. ભાટીએ બીજી વખત ભાજપમાં બળવો કર્યો અને અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી. કોંગ્રેસે 10મી વખત અમીન ખાનને જ ટિકિટ આપી, તેઓ છેલ્લા 50 વર્ષથી શિવ બેઠક પરથી જ ચૂંટણી લડતા હતા. કોંગ્રેસમાંથી પણ બળવો થયો અને ફતેહ ખાને અપક્ષ ઉમેદવારી નોંધાવી, ભાજપના જ પૂર્વ ધારાસભ્ય જાલમ સિંહ RLPની ટિકિટ પર ઉતર્યા, આમ શિવ વિધાનસભા બેઠક પર આ મુકાબલો પંચકોણિય થઈ ગયો હતો. 

ભાટીની ઉમેદવારીથી સૌથી મોટું નુકસાન ભાજપને જ
હવે રવીન્દ્ર ભાટીની નજર લોકસભા પર છે. બાડમેર  બેઠક પર તેઓ ભાજપના કૈલાશ ચૌધરીને ટક્કર આપશે. કોંગ્રેસ પાર્ટીએ ઉમમેદા રામને ઉતાર્યા છે જે જાટ છે. જો જાતિગત સમીકરણની વાત કરીએ તો બાડમેર બેઠક પર ત્રિકોણીય મુકાબલામાં ભાજપને જ મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું છે. રાજસ્થાનના ચૂંટણી પરિણામમાં દર વખતે એક ટ્રેન્ડ હંમેશા જોવા મળે છે એ છે જાટ VS રાજપૂત. આંકડાઓ જોઈએ તો બાડમેરમાં 19 ટકા જાટ, 13થી 14 ટકા રાજપૂત જ્યારે 9 ટકા મુસ્લિમ વૉટર્સ છે. પાછલી ચૂંટણીમાં સાડા ચાર લાખ જાટ વૉટર્સે ભાજપને સાથ આપ્યો હતો, જોકે આ વખતે કોંગ્રેસના ઉમેદવાર પણ જાટ છે. બીજી તરફ અપક્ષ ઉમેદવાર રવીન્દ્ર સિંહ ભાટીએ મજબૂત નેતા તરીકે ઉમેદવારી નોંધાવતા રાજપૂત વોટ ભાટી તરફ જાય તેવું અનુમાન છે, એવામાં આ ફટકો પણ ભાજપને જ પડશે. વર્ષ 2014 અને 2019 બંને ચૂંટણીમાં ભાજપે રાજસ્થાનમાં તમામ 25 બેઠકો પર ભગવો લહેરાવ્યો હતો, એવામાં 2024ની લડાઈમાં એક સીટ પર ચૂંટણી રોચક બની છે. 

પ્રચાર માટે CM યોગી અને બાગેશ્વર બાબાને મેદાનમાં ઉતાર્યા
બાડમેર-જૈસલમેર લોકસભા બેઠક પર ભાજપ માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને બાબા બાગેશ્વર પ્રચાર કરશે. ભાજપે આ બેઠક પર કોઈ ફાયર બ્રાન્ડ નેતાઓની રેલી કરાવવાનો નિર્ણય લીધો છે. નામાંકન દરમિયાન કોંગ્રેસ ઉમેદવારની રેલીમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. તો અપક્ષમાંથી લડી રહેલા રવીન્દ્ર સિંહ ભાટીની રેલીમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

મુખ્યમંત્રી સાથેની મીટિંગમાં શું થયું?
રાજસ્થાનના સ્થાનિક મીડિયા અહેવાલો પ્રમાણે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી પહેલા રવીન્દ્ર સિંહ ભાટીને મનાવવામાં પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ રવીન્દ્ર સિંહ ભાટી સાથે મીટિંગ પણ કરી હતી. જોકે એવું કહેવામાં આવે છે કે મુખ્યમંત્રીએ ભાટીને એવી ટકોર કરી હતી કે તમે પક્ષને મજબૂત કરો. જોકે સૂત્રો અનુસાર ભાટીની ઈચ્છા હતી કે તેમને રાજસ્થાન સરકારમાં મંત્રી બનાવવામાં આવે અથવા તો લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવે. 

રિસ્ક સાથે મારો જૂનો નાતો છે: ભાટી
ભાજપમાં જોડાવવા અને બાદમાં બળવો કરવા મુદ્દે ભાટીએ કહ્યું હતું કે, ‘મેં શિવ વિધાનસભા ટિકિટ માટે જ ભાજપ જોઇન કર્યું હતું, પરંતુ રાજકારણમાં દગા થતાં રહે છે. મારી વિચારધારા સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલી છે અને ભાજપ પણ તેમનું અનુસરણ કરે છે, એટલે જ હું ભાજપમાં જોડાયો હતો. વિચારધારા હજુ જોડાયેલી છે પરંતુ હું રિસ્ક પર ચૂંટણી લડું છું. પહેલા પણ રિસ્ક લીધો છે, લડતો રહ્યો છું અને લડતો રહીશ.’ 

હેન્ડપંપનો કિસ્સો જે ખૂબ ચર્ચામાં રહ્યો… ધારાસભ્ય માત્ર બે જ હેન્ડપંપ મંજૂર કરાવી શક્યા!
મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને રવીન્દ્ર ભાટીની મીટિંગના બીજા જ દિવસે ભાજપ નેતા સ્વરૂપસિંહે એક ટ્વિટ કર્યું જે ચર્ચાનો વિષય બની ગયો. સ્વરૂપ સિંહે દાવો કર્યો હતો કે મેં જે અરજી કરી હતી તેમાંથી 20 હેન્ડપંપ પાસ કરવામાં આવ્યા છે જ્યારે ધારાસભ્યના માત્ર બે જ હેન્ડપંપ જ મંજૂર કર્યા છે. કહેવામાં આવે છે કે આ કટાક્ષ પછી જ ભાટીએ ચૂંટણી લડવાનો નિર્ણય પાક્કો કરી લીધો હતો. હાલમાં જ એક સાક્ષાત્કારમાં ભાટીએ આ વિવાદ અંગે કહ્યું હતું કે, ‘જે મળ્યું એ, કામ કરાવવા માટે મેં પ્રયાસ તો કર્યા. હજુ નવો નવો છું, કામ કરીશું, મહેનત કરીશું.’ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નથી કરતાં સીધા પ્રહાર
રવીન્દ્ર સિંહ ભાટીના ભાષણોમાં એક વાત ખાસ જોવા મળે છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધા પ્રહાર નથી કરતાં, મીડિયા ઈન્ટરવ્યૂમાં પણ તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી એક સારા નેતા છે. જેના કારણે ભાટી સ્થાનિક મુદ્દા પર વધુ ફોકસ કરી રહ્યા છે અને લોકપ્રિયતા પણ આ કારણ જ વધી રહી છે. 

કહેવાય છે કે રણમાં જ્યારે ગરમી વધે ત્યારે વંટોળ આવે છે, એવામાં રાજસ્થાનના રાજકારણમાં રવીન્દ્ર સિંહ ભાટીના કારણે વંટોળ તો ફૂંકાઈ ગયો છે, પણ હવે જોવાનું એ રહે છે કે આ વંટોળ અન્ય પક્ષનું કેટલું નુકસાન કરી શકે છે. તેમની જન આશીર્વાદ યાત્રામાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે, જેના કારણે ભાજપ અને કોંગ્રેસ બંનેના કાર્યકર્તાઓમાં ચિંતા છે. ભાટીએ ઉમેદવારી ફૉર્મ ભર્યું ત્યારે જ જે પ્રકારની ભીડ જોવા મળી તે જોઈને જ સમર્થકો કહી રહ્યા છે કે તેમની જીત પાક્કી છે. 

જોકે રાજકીય વિશ્લેષકો એમ પણ માને છે કે ભાટીની જીતનો દાવો કરનાર લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને નજરઅંદાજ કરવી જોઈએ નહીં. ભાટી ભલે મજબૂત નેતા તરીકે ઉભર્યા હોય પરંતુ જો મતદારો ઉમેદવારની જગ્યાએ વડાપ્રધાનનો ચહેરો જોઈને વોટ કરશે તો ચોક્કસ ફટકો પડશે. વર્ષ 2014માં પણ જસવંત સિંહે ભાજપમાંથી બળવો કરીને ચૂંટણી લડી હતી, પરંતુ પરિણામ આવ્યા ત્યારે 40 ટકા વોટ શેર સાથે ભાજપ જીત્યું, જ્યારે જસવંત સિંહને 33 ટકા મત મળ્યા, જ્યારે કોંગ્રેસ માત્ર 18 ટકા મત જ હાંસલ કરી શકી. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *