Electronic Voting Machine Complete Timeline :   લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ઈવીએમના ઉપયોગથી મત ગણતરી કરવી ખૂબ સરળ બની ગઈ છે. એટલું જ નહીં EVMના  કારણે ચૂંટણી પાછળનો ખર્ચ પણ ઘણો ઓછો થઈ ગયો છે. આપણા દેશમાં દર વર્ષે કોઈને કોઈ જગ્યાએ ચૂંટણી થતી રહે છે. જેમા EVMનું મહત્વ ઘણું વધી ગયું છે. જો કે ચૂંટણી કોઈ પણ જાતના વિધ્ન વગર પાર પાડવી એ પણ એક મોટો પડકાર છે. ઈવીએમને પણ શંકાઓ, ટીકાઓ અને કેટલાય આરોપોનો સામનો કરવો પડ્યો છે. જો કે ચૂંટણી પંચનું કહેવું છે કે, મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવામાં EVM ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવે છે. 

EVM શું છે

સરળ ભાષામાં કહીએ તો EVM એટલે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન. આ મશીન સામાન્ય બેટરીથી ચાલે છે અને EVM મતદાન દરમિયાન પડેલા મતને રેકોર્ડ કરે છે અને મતોની ગણતરી પણ કરે છે. ઈવીએમના બે ભાગ હોય છે. જેમાં પહેલા ભાગમાં બેલિટિંગ યૂનિટ કે જે મતદારો દ્વારા સંચાલિત કરવામાં આવે છે. જ્યારે બીજા ભાગમાં કન્ટ્રોલ યૂનિટ મતદાન અધિકારીઓની દેખરેખ હેઠળ રહે છે. ઈવીએમના બંને ભાગો પાંચ મીટર લાંબા વાયરથી જોડાયેલા છે. એક ઈવીએમમાં ​​64 ઉમેદવારોના નામ દાખલ થઈ શકે છે.  વોટ રેકોર્ડ કરવાની ક્ષમતા વિશે વાત કરીએ તો એક ઈવીએમમાં ​​3840 વોટ રેકોર્ડ થઈ શકે છે. ભારતની બે જાહેર ક્ષેત્રની કંપનીઓ, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) બેંગ્લોર અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ECIL) હૈદરાબાદ ચૂંટણી પંચ માટે ઈવીએમ બનાવે છે.

EVM નો પહેલીવાર ઉપયોગ ક્યારે થયો

ઈવીએમનો સૌથી પહેલા વર્ષ 1982માં ઉપયોગ થયો હતો. જે કેરળની પરુર વિધાનસભા બેઠકના 50 મતદાન મથકો પર મતદાન કરવા માટે ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે,  આ મશીનના ઉપયોગ અંગે કોઈ કાયદો ન હોવાથી સુપ્રીમ કોર્ટે તે ચૂંટણીને સદંતર ફગાવી દીધી હતી. એ પછી ચૂંટણીમાં ઈવીએમ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 1989માં સંસદે જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં સુધારો કર્યો અને ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. EVM ને  ભારતીય ચૂંટણીઓમાં લાવવા માટે રાતોરાત ખેલ નથી ખેલાયો, પરંતુ તેની પાછળ એક લાંબી પ્રક્રિયા ચાલી હતી. 

ચૂંટણીમાં EVMનો ઉપયોગ કરવાનો અધિકાર મળ્યા પછી વર્ષ 1992માં કાયદા અને ન્યાય મંત્રાલયે કાયદામાં સુધારો કરવામાં આવ્યો અને એક સૂચના બહાર પાડી હતી. ત્યાર બાદ વર્ષ 1998માં જ ઈવીએમના ઉપયોગ અંગે સર્વસંમતિ મળી શકી હતી. આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીની 25 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. વર્ષ 1999માં 45 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં પણ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ પછી વર્ષ 2000 પછી દેશની તમામ લોકસભા, વિધાનસભા અને પેટાચૂંટણીઓમાં ઈવીએમનો ઉપયોગ થવા લાગ્યો હતો. વર્ષ2001માં તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ અને પોંડીચેરીની તમામ બેઠકો પર યોજાયેલ ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2001 પછી 3 લોકસભા અને 110 થી વધુ વિધાનસભા બેઠકો પર ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો.

ઈવીએમની જરુર કેમ પડી?

ભારતીય લોકશાહીમાં ‘બૂથ કેપ્ચરિંગ’ જેવી અનેક સમસ્યાઓ વર્ષ 1957ની લોકસભા ચૂંટણીમાં ઊભી થવા લાગી. જેની એક ઘટના બેગુસરાય જિલ્લાની મતિહાની વિધાનસભા બેઠકના રાચિયાહી વિસ્તારમાં બની હતી. 1970 અને 1980 ના દાયકા દરમિયાન અખબારોની હેડલાઇન્સમાં બૂથ કેપ્ચરિંગ શબ્દનો ઉપયોગ કરવામા આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન ચૂંટણીમાં ભાગ લેનારા રાજકીય પક્ષો અને ઉમેદવારોની સંખ્યામાં અનેકગણો વધારો થયો હતો. ઉમેદવારોએ પૈસા અને બળ વડે ચૂંટણી જીતવા માટે બૂથ કેપ્ચરિંગની નવી યુક્તિઓ અપનાવવા લાગ્યા હતાં. જેથી કરીને EVM સિસ્ટમ આવતાં આવી ઘટના ઓછી થઈ. 

આવામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજવા ચૂંટણી પંચ માટે માથાનો દુખાવો બની ગઈ છે. ચૂંટણી પંચ ‘બૂથ કેપ્ચરિંગ’ની ઘટનાઓને રોકવા માગતું હતું. જેથી નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે ચૂંટણી થઈ શકે. એ પછી ધીમે-ધીમે ચૂંટણી પંચ ચૂંટણી પ્રક્રિયાને સુધારવાની દિશામાં કામ કરી રહ્યું હતું. આ સંદર્ભમાં આગળ કામ કરતાં તમામ પક્ષોની સંમતિ બાદ EVM એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન રજૂ કરવામાં આવ્યું હતું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *