પત્નીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો
મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા
જતીને અત્મહત્યા કર્યા પહેલા પિતા અને ભાઈને મોકલ્યા વોટ્સએપ પર મેસેજ

ભરૂચમાં આડાસંબંધોની આશંકાએ એક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. પત્નીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધા બાદ પતિએ 10 વર્ષના બાળકની ગળુ દબાવી હત્યા કરી હતી અને પોતે ટ્રેન નીચે પડતુ મૂકી આત્મહત્યા કરી લીધી હતી.

ભરૂચ રેલવે કોલોનીમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં પત્ની અને પુત્રનો ઘરમાંથી મૃતદેહ મળ્યો હતો, જ્યારે પતિનો રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં નોંધાયેલી પોલીસ ફરિયાદ અનુસાર ભરૂચ રેલવેમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય જતીન મકવાણાની પત્ની તૃપલે રેલવે કોલોની સ્થિત કવાટરમાં પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.

પતિએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો

ત્યારબાદ જતીને તેના 10 વર્ષીય પુત્ર વિહાનનું પલંગ પર ગળું દબાવી હત્યા કરી હતી અને પોતે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પૂર્વે જતીને તેના પિતાને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો, જેમાં તમામ હકીકત દર્શાવી હતી જેના પગલે તેના પિતા અને આખો પરિવાર રાજકોટથી ભરૂચ ખાતે દોડી આવ્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

પોલીસે આ તમામ પાસાઓને ધ્યાને લઈ તપાસ શરૂ કરી

આ મામલામાં મૃતક તૃપલના અન્ય ઈસમ સાથે લગ્નેતર સંબંધો કારણભૂત હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. જતીને અંતિમવાદી પગલા પૂર્વે પિતા અને ભાઈને મોકલેલા વોટ્સએપ મેસેજમાં આ વાતનો ઉલ્લેખ છે. જતીનની પત્ની તૃપલના રાજા શેખ નામના શખ્સ સાથે આડા સબંધ હતા, જે બાબતે બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. ગત રોજ આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી અને ત્યારબાદ પતિએ પુત્રની હત્યા કરી જાતે પણ મોતને વ્હાલુ કરી લીધુ હતુ. પોલીસે આ તમામ પાસાઓને ધ્યાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.  

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *