ત્રણ નવા ફોજદારી કાયદા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા
તાલુકા કાનૂની સેવા સમિતિ, બોડેલી દ્વારા સેમિનારનું આયોજન કરાયું
જેમા કાયદાઓમાં સુધારા અંગે લોકોને અવગત કરાયા હતા.
બોડેલી તાલુકાના જબુગામ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલ ત્રણ નવા ફોજદારી કાયદા અંગે વિગતો આપવા જબુગામ રાજપૂત સમાજની વાડીમાં જનજાગૃતિ સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું હતું.
બોડેલી તાલુકાના જબુગામ ખાતે આવેલ રાજપૂત સમાજની વાડીમાં નેશનલ લિગલ સર્વિસ ઓથોરિટી ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદના ઉપક્રમે તાલુકા કાનૂની સેવા સમિતિ બોડેલી દ્વારા બોડેલી બાર એસોસિયેશનના સંયોજનથી નવા કાયદાની સમજ અંગે શિબિર યોજાઈ હતી.
કેન્દ્ર સરકાર દ્વારા ઈન્ડિયન પીનલ કોડ સીઆરપીઆઈ તેમજ પુરાવાના કાયદા જેમાં અંગ્રેજોના સમયના કાયદાઓ નાબુદ કરી ભારતીય નાગરિક સુરક્ષા સહિતના ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક અધિનિયમ અમલમાં મૂકવામાં આવ્યા છે.
આ ત્રણ નવા ફોજદારી કાયદાઓની વિગતો આપવા બોડેલી કોર્ટના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ આશુતોષ રાજપાઠકના માર્ગદર્શનન હેઠળ જબુગામ રાજપૂત સમાજની વાડી ખાતે સેમિનાર યોજાયો હતો. જેમાં બોડેલી પોલીસ મથકના મહિલા પીએસઆઈ પંડયા, મામલતદાર શેખ, બોડેલી બાર એસોસિયેશનના પ્રમુખ લલિતભાઈ રોહિત, સરકારી વકીલ,સેક્રેટરી મોહસીન મન્સૂરી, પીએલવી અરૂણ ત્રિવેદી, જબુગામના મહિલા સરપંચ શિતલબેન બારીયા, તલાટી ચક્ષુલભાઈ પટેલ, જમાદાર ધનસુખભાઈ સહિત જબુગામની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સરપંચો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. બોડેલી પોલીસ મથકના મહિલા પીએસઆઇ પંડયા સહિતના અધિકારીઓએ નવા કાયદા વિશે માહિતી આપી હતી.