Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત્ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં રવિવારે (30મી જૂન) મોડી રાત્રિથી આજે સવાર સુધી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
બીજી તરફ જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકા જળમગ્ન બન્યા છે. અવિરત વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાય છે. રસ્તાઓ બંધ કરવામાં આવતા અનેક ગામોના સંપર્ક કપાયા છે.
ઉપલેટામાં જળબંબાકાર
રાજકોટ શહેર અને જિલ્લામાં સરેરશ બે ઇંચથી લઈને સાત ઇંચ સુધીનો વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા હતાં. તો ઉપલેટામાં જળબંબાકારની સ્થિતિ સામે આવી છે. ધોરાજીના નાની પરબડીની ફુલજર નદી ઓવર ફ્લો થઈ છે. પુલ અને કોઝવે ઉપરથી પાણી વહેતા વાહનવ્યવહારને અસર પહોંચી રહી છે.
જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
જૂનાગઢમાં મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. અવિરત વરસાદથી અનેક ગામોનો સંપર્ક કપાયો છે. ભારે વરસાદને પગલે જૂનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે, કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. ભારે વરસાદની પરિસ્થિતિમાં નદીના પટમાં અવર જવર ન કરવા તથા નદી-નાળાઓમાં નાહવા ન જવા માટે નમ્ર વિનંતિ છે.
રાજ્યમાં 30 રસ્તાઓ બંધ કરાયા
મળતી જાણકારી અનુસાર, ભારે વરસાદના કારણે રાજ્યમાં 30 રસ્તાઓ બંધ કરાયા હતા. પંચાયત હસ્તકના 26 રસ્ચાઓ પણ બંધ કરાયા હતા. સૌથી વધુ સુરત જિલ્લામાં પંચાયત હસ્તકના 9 રસ્તા બંધ થયા હતા. જામનગર જિલ્લામાં પંચાયત હસ્તકના છ રસ્તાઓ, દ્વારકા જિલ્લામાં પંચાયત હસ્તકના ચાર રસ્તા, જૂનાગઢ જિલ્લામાં 2 સ્ટેટ હાઈવે, રાજકોટ જિલ્લામાં 3, પોરબંદર જિલ્લામાં 2 રસ્તા, છોટાઉદેપુર, ભાવનગર, અમરેલીમાં 1-1 રસ્તા બંધ કરાયા હતા.
આ પણ વાંચો: ગિરનાર પર્વત પર 5 ઈંચ વરસાદ, દામોદર કુંડ ઓવર ફ્લો, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
વીજ પુરવઠો ખોરવાયો
અવિરત વરસાદથી સૌરાષ્ટ્રમાં વીજ પૂરવઠાને અસર થઇ હતી. કચ્છ-સૌરાષ્ટ્રના ગ્રામ્ય,શહેરી વિસ્તારના 251 વીજ ફીડરો બંધ થયા હતા. જ્યારે 91 વીજ પોલ ધરાશાયી થયા હતા. ભારે વરસાદથી 10 જેટલા વીજ ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદથી 38 ગામડાઓમાં અંધારપટ્ટ છવાયો હતો. સૌથી વધુ પોરબંદર, ભૂજ જિલ્લામાં વીજ પૂરવઠાને અસર થઇ છે. PGVCLની અલગ અલગ ટીમોએ કામગીરી શરૂ કરી હતી.
સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં ઘોધમાર વરસાદ
સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં ઘોધમાર વરસાદ પડી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને જામનગર જિલ્લામાં 1થી 11 ઈંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો હતો. જેમાં ઉપલેટા 83 મિ.મી., જૂનાગઢ શહેર 6 ઈંચ, મેંદરડા 6 ઈંચ, જામકંડોરણા 4 ઈંચ, જેતપુર સાડા ચાર ઈંચ, કેશોદ 4 ઈંચ, કોડીનાર 3 ઈંચ તથા પડધરીમાં 2 ઈંચ સહિત 11 ઈંચ જેવો ભારે વરસાદ વરસી ગયો હતો.