Heavy Rain In Gujarat: રાજ્યમાં મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી છે જેના લીધે ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદને પગલે વિકટ સ્થિતિ જોવા મળી રહી છે, જ્યારે હજુ પણ કેટલાક જિલ્લામાં અત્યંત ભારે વરસાદ અને અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગે ચિંતાજનક ચેતવણી આપી છે. કેન્દ્રીય હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં પૂરની ચેતવણી આપી છે. હવામાન વિભાગ દ્વારા આ ચેતવણી અપાયા બાદ ઠેર-ઠેર ચિંતાનો વાતાવરણ સર્જાયો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ
હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાક (2 જૂલાઇ) સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના લીધે આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પૂરનું સંકટ હોવાની સંભાવના છે. દરમિયાન હવામાન વિભાગે લોકોને નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા ચેતવણી આપી છે તેમજ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. 

ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાતમાં ક્યારે રેડ એલર્ટ?
કેન્દ્રિય હવામાન વિભાગ મુજબ, આગામી 2,3 અને 5 જૂલાઇના રોજ ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. દરમિયાન હવામાન વિભાગે આ ક્ષેત્રોમાં તા.2,3 અને 5 જૂલાઇ માટે રેડ એલર્ટ જાહેર કર્યો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેના કારણે અમુક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

ક્યાં કેટલો પડ્યો વરસાદ?
નોંધનીય છે કે, આજે સોમવારે 8 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદ નોંધાયો છે. કલ્યાણપુરમાં અને ખંભાળીયામાં 6.2 ઈંચ વરસાદ પડ્યો છે. માણાવદરમાં 4.2 ઈંચ, વિસાવદરમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે મેંદરડામાં 4 ઇંચ, ધોરાજી-કાલાવાડમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત કેશોદ, વંથલી, નવસારીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે.

આવતી કાલે કયા કયા જિલ્લાઓમાં એલર્ટ?
આવતીકાલે અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેવા જીલ્લાઓમાં, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા, કચ્છનો સમાવેશ થાય છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દીવમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે બાકીના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *