Image Twitter
CM Arvind kejriwal : આમ આદમી પાર્ટી (AAP)ની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લેતી. સોમવારે AAPના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ પહેલા AAPના ત્રણ મોટા નેતાઓ તિહાર જેલમાં બંધ છે. જો સીએમ કેજરીવાલને જામીન નહીં મળે તો તેમણે આગામી 14 દિવસ તિહાર જેલમાં પસાર કરવા પડશે. ગત 21 માર્ચે EDએ તેમની ધરપકડ કરી હતી. ધરપકડ પછી તેઓ EDની કસ્ટડીમાં હતા. તેવામાં હવે તેમને તિહાર જેલ નંબર 2માં એકલા રહેવું પડશે. તેમને નાસ્તામાં ચા અને બ્રેડ આપવામાં આવશે. તેમને ખાવા માટે પાંચ રોટલી આપવામાં આવશે.
જેલમાં એકલા રહેશે કેજરીવાલ
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તિહાર જેલ નંબર 2માં રાખવામાં આવશે. અને તેમને જેલમાં એકલા રાખવામાં આવશે. આ પહેલા AAP નેતા સંજય સિંહ જેલ નંબર 2માં હતા, જેમને થોડા દિવસ પહેલા જેલ નંબર 5માં શિફ્ટ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન તિહારની જ અલગ-અલગ જેલમાં બંધ છે.
તિહાર જેલમાં કેજરીવાલ કેવી રીતે ગુજારશે 14 દિવસ
તિહારમાં અન્ય કેદીઓની સાથે અરવિંદ કેજરીવાલની સવાર 6.30 વાગ્યે શરૂ થશે. એક ટીવી અહેવાલ મુજબ તેમને સવારે નાસ્તામાં ચા અને બ્રેડ આપવામાં આવશે. સવારે સ્નાન કર્યા પછી જો સીએમ કેજરીવાલને કોર્ટમાં જવાનું થશે તો તેના માટે પરવાનગી આપવામાં આવશે. આ દરમિયાન તેઓ તેમની કાયદાકીય ટીમને પણ મળી શકશે. તિહારમાં લંચ સવારે 10.30 થી 11 વાગ્યાની વચ્ચે રહેશે. ‘આપ’ના સૌથી મોટા નેતાને ભોજન માટે દાળ, શાકભાજી અને પાંચ રોટલી અથવા ભાત આપવામાં આવશે.
કેજરીવાલને જેલમાં રાત્રે પણ દાળ, શાક, રોટલી કે ભાત અપાશે
તેમજ જેલમાં અન્ય કેદીઓ સાથે તેમને બપોરે 3.30 વાગ્યે બે બિસ્કિટ સાથે એક કપ ચા આપવામાં આવશે. આ ઉપરાંત સાંજે 4 વાગ્યે કેજરીવાલને તેમના વકીલોને મળવાની પરવાનગી આપવામાં આવશે. તિહાર જેલમાં રાત્રિભોજન સાંજે 5.30 વાગ્યે શરુ કરવામાં આવે છે. ત્યાં રાત્રે પણ દાળ, શાક, રોટલી કે ભાત આપવામાં આવે છે.
કેજરીવાલને અન્ય કઈ કઈ સુવિધાઓ આપવામાં આવશે
સીએમ અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં ટીવી જોઈ શકશે. જો કે, લોક-અપમાં અને ભોજન દરમિયાન તેને મંજૂરી નથી. હકીકતમાં સીએમ કેજરીવાલ ડાયાબિટીસના દર્દી છે. તેથી આવી સ્થિતિમાં તેમને જેલની અંદર નિયમિત તપાસ કરવામાં આવશે. ઈમરજન્સી માટે 24 કલાક ડૉક્ટરની સુવિધા રહેશે. તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કેજરીવાલના વકીલે તેમને વિશેષ આહાર આપવા વિનંતી કરી છે કારણ કે ડાયાબિટીસના દર્દીઓએ ભોજન અથવા નાસ્તો કરતી વખતે વધુ સાવધાની લેવી પડતી હોય છે.
કેજરીવાલે રામાયણ, ગીતા સહિત ત્રણ પુસ્તકોની માંગણી કરી
કેજરીવાલ સાથે બીજા કોઈને નહીં રાખવાની મંજૂરી આપવામાં આવી નથી. આ સાથે તેમની બેરેકની ચોવીસ કલાક સીસીવીટી કેમેરાથી નજર રાખવામાં આવશે. કેજરીવાલે રામાયણ, ગીતા અને નીરજા ચૌધરીના પુસ્તક ‘હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડીસાઈડ’ની માગણી કરી છે. આ સિવાય દવાઓને જેલમાં રાખવા માટે પરવાનગી માંગવામાં આવી છે.