Parshottam Rupala Controversy: પરશોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ યથાવત્ છે. ગુજરાત સરકારની ક્ષત્રિય આગેવાનો સાથે થયેલી બેઠક નિષ્ફળ ગઈ હતી. ક્ષત્રિય નેતાઓ અને મહિલાઓની એક જ માગ છે કે, રૂપાલાને ટિકીટ રદ કરવામાં આવે. ક્ષત્રિયોને માફી મંજૂર નથી. આ સ્થિતિમાં રાજ્યમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. અનેક જગ્યાએ રૂપાલા વિરુદ્ધ પોસ્ટરો લગાવાયા છે અને કેટલાક ગામોમાં ભાજપ નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવાયો છે. ગઈકાલે (રવિવાર) ધંધુકામાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું હતું. તો બીજી તરફ પરશોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. વિવાદના વંટોળ વચ્ચે આગામી 16 એપ્રિલ 2024ના રોજ પરશોત્તમ રૂપાલા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. આ પહેલા તેઓ બહુમાળી ભવન ખાતે જંગી સભા સંબોધશે.
16 એપ્રિલે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી નોંધાવશે
પરશોત્તમ રુપાલાના ફોર્મ ભરવા અને જાહેર સભા અંગે ભાજપના કોર્પોરેટર કેતન પટેલે જણાવ્યું હતું કે, ‘આગામી 16 એપ્રિલે સવારે 10.30 વાગ્યે પરશોત્તમ રુપાલા ફોર્મ ભરવા જશે, ત્યારે અહીં જાહેર જંગી સભા કરવામાં આવશે. આ જાહેર સભાના ભાગરૂપે આજથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.’ ભાજપના દાવા પ્રમાણે 16 એપ્રિલે બહુમાળી ભવન ખાતે તે દિવસે 20થી 25 હજાર લોકો પણ હાજર રહેશે. ભાજપે આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને તૈયારીઓના ભાગરૂપે રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્થળની સમીક્ષા કરવા માટે પણ પહોંચ્યા હતા.
રૂપાલાની ઉમેદવારી સુધી ગુજરાતમાં રહીશ : મહિપાલસિંહ મકરાણા
તો રૂપાલા ઉમેદવારી નોંધાવશે તેવી માહિતી સામે આવતા જ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, રૂપાલા સામે વિરોધ યથાવત રહેશે. રૂપાલાની ઉમેદવારી સુધી હું ગુજરાતમાં રહીશ.
ક્ષત્રિય સમાજે રૂપાલા સામે ઉમેદવાર ઉતારવાની ચીમકી ઉચ્ચારી
અમદાવાદ સ્થિત રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય આગેવાન અને રાષ્ટ્રીવાદી જનલોક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શેરસિંહ રાણાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ‘ભાજપે રૂપાલાની ટિકિટ કાપવાની માગણી પૂરી કરવી જોઈએ. આ માત્ર આંદોલન નથી પણ જરૂર પડશે તો રાજકોટમાં રૂપાલા સામે ઉમેદવાર મેદાનમાં ઉતારીશું. આજે ક્ષત્રિય સમાજને શૂન્ય પર લાવવા પ્રયાસ થઈ રહ્યા છે, સમાજને આજે જવાબ આપવાની જરૂર છે.’
પ્રજ્ઞાબા ઝાલા ત્રણ દિવસથી નજરકેદ
થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં પ્રજ્ઞાબા ઝાલાનો જૌહર અંગેનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘રૂપાલા અંગે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે કાલે જૌહર કરીશું. અમે જૌહરની તૈયારીઓ શરૂ કરી દીધી છે.’ તેમણે ગાંધીનગરમાં કમલમ ખાતે જૌહર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે, તેઓ ત્રણ દિવસથી નજરકેદ છે.