નબળા શિક્ષણના કારણે સતત વિવાદોમાં રહેતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક સ્કૂલો ખાનગી સ્કૂલોને પણ ટક્કર મારી રહી છે. સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક ડઝન જેટલી સ્કુલ એવી છે કે જેમાં ખાનગી શાળાઓની જેમ એડમીશન માટે લાંબી લાઈનો લાગે છે એટલું જ નહીં પરંતુ ઉત્રાણ વિસ્તારની ત્રણ સ્કૂલમાં દર વર્ષે એડમિશન માટે વેઇટિંગ લિસ્ટ બનાવવું પડી રહ્યું છે. આ વર્ષે પણ આ સ્કૂલમાં એડમિશન માટે લોકોનો ધસારો જોતા ત્રણ દિવસ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને વાંચતા પણ આવડતું નથી તેવી ફરિયાદ છે અને વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. તો બીજી તરફ શિક્ષણ સમિતિની કેટલાક સ્કૂલ એવી છે જ્યાં એડમીશન માટે પડાપડી થઇ રહી છે. સામાન્ય રીતે શિક્ષણ સમિતિની સ્કુલોમાં ગરીબ બાળકો અભ્યાસ કરે છે પરંતુ ઉત્રાણ, મોટા વરાછા, કતારગામ લલીતા ચોકડી અને પાલનપોર સહિતની સ્કૂલમાં માત્ર ગરીબ જ નહી પરંતુ પૈસાદાર લોકો ખાનગી સ્કુલમાંથી પોતાના બાળકોનું એડમિશન કઢાવી સરકારી સ્કૂલમાં પ્રવેશ લઈ રહ્યા છે.
હાલમાં શિક્ષણ સમિતિની શાળામાં વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે ત્યારે આગામી સત્ર ના એડમીશન માટે વાલીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ઉત્રાણ વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક 334, 346 અને 355 માં 3200ની સંખ્યા છે તેની સામે પહેલા જ દિવસે પ્રવેશ માટે વાલીઓની લાઈન લાગી ગઈ હતી. 2019 બાદ આ ત્રણેય શાળામાં એડમિશન હાઉસ ફુલ થઈ જાય છે એટલું જ નહી પરંતુ દર વર્ષે સરેરાશ બે હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ પણ બની જાય છે. આ વર્ષે પણ પહેલા દિવસે 700થી વધુ વાલીઓ એડમીશન માટે આવ્યા છે તેના કારણે ત્રણ દિવસ માટે પ્રવેશ નું આયોજન કરવામાં આવ્યું છે.
ઉત્રાણની શાળાના આચાર્ય ચેતન હીરપરા કહે છે, 2017માં શાળા શરુ કરવામા આવી ત્યારે અમારે સોસાયટી સોસાયટી જઈને પ્રવેશ માટે અપીલ કરવામાં આવી હતી. પહેલા વર્ષે 72 જેટલી સોસાયટીઓમાં પ્રવેશ માટે પ્રચાર માટે અમે શિક્ષકો પોતે ગયા હતા અને પહેલા વર્ષે 252 સંખ્યા થઈ હતી. પરંતુ અમારા શિક્ષકો દ્વારા આપવામાં આવતું શિક્ષણ અને વિદ્યાર્થીઓ અને વાલીઓના સપોર્ટ ના કારણે આજે આ શાળામાં એડમિશન માટે પડાપડી થઈ રહી છે. અમારી સ્કૂલ માં અમે બીબાઢાળ શિક્ષણના બદલે પરિણામ લક્ષી શિક્ષણ આપવામાં આવી રહ્યાં છે. અમારી શાળામાં અભ્યાસ કરતા બાળકો ટીચર ના બદલે ગુરુજી અને દીદીના નામે સંબોધન કરે છે. ખાનગી શાળાની જેમ જ આ શાળામાં પણ તમામ પ્રકારની અદ્યતન સુવિધાઓની સાથે સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે જેના કારણે વાલીઓ ખાનગી શાળાના બદલે પાલિકાની શાળામાં પોતાના બાળકોને અભ્યાસ કરવા માટેનો આગ્રહ રાખી રહ્યા છે.