વડોદરા,શહેરમાં બેફામ બનેલા ડમ્પર માલિકોને કોઇનો ડર રહ્યો નથી. એક ડમ્પરના ચાલકે ગોરવા વિસ્તારમાં બાઇક સવાર બે યુવાનોને અડફેટે લીધા હતા. જે પૈકી બાઇક ચાલક ટાયરની નીચે  ચગદાઇ જતા સ્થળ પર જ તેનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. લક્ષ્મીપુરા પોલીસે ગુનો દાખલ કરી ડમ્પર ચાલકની ધરપકડ કરી છે.

કોયલી ગામ બેન્ક ઓફ બરોડાની સામે રહેતો ૪૦ વર્ષનો પંકજ  ગંગાધરભાઇ યાદવ અને  કોયલી ગામમાં ભાડાના મકાનમાં રહેતો  તેનો મિત્ર અજીતકુમાર રાજેન્દ્રભાઇ યાદવ મોતી ચૂરના લાડુ બનાવી વેચાણ કરે છે. આજે સવારે અજીત અને પંકજ બાઇક લઇને  સિટિમાં મોતી ચૂરના લાડુ આપવા માટે નીકળ્યા હતા.  પંકજ યાદવ બાઇક ચલાવતો હતો. સવારે સાડા અગિયાર વાગ્યે તેઓ ગોરવા આઇ.ટી.આઇ. તરફથી સ્વામિ વિવેકાનંદ હાઇટ્સ તરફ જતા હતા. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલા  ડમ્પર ચાલકે તેઓની બાઇકને ટક્કર મારતા બંને રોડ પર ફંગોળાયા હતા. ડમ્પરના પાછળના ટાયર પંકજ યાદવ પર ફરી વળતા માથું છુંદાઇ જતા  તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે અજીતને ડાબા પગની ઢીંચણ અને કમરના ભાગે ઇજા થઇ હતી. બનાવના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. એમ્બ્યુલન્સ આવી જતા ઇજાગ્રસ્ત અજીત યાદવને સારવાર માટે ગોત્રી  હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. લક્ષ્મીપુરા પોલીસે ગુનો દાખલ કરી ડમ્પરના ચાલક રંજનકુમાર ક્રિષ્ણાકુમાર યાદવ ( રહે.ઉંડેરા ગામ પાસે, મૂળ રહે. બિહાર) ની ધરપકડ કરી ડમ્પર કબજે લીધું છે.

બપોરે એક વાગ્યા સુધી ભારદારી વાહનો માટેનો  પ્રતિબંધ ફારસરૃપ

 વડોદરા,શહેરમાં બેફામ  દોડતા ડમ્પરને રોકવા માટે ઉચ્ચ અધિકારીઓ વારંવાર ડ્રાઇવ રાખતા હોય છે. પરંતુ, ટ્રાફિક અને પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાવ નિષ્ક્રિય હોય છે. કાર પર કાળા કલરની ડાર્ક ફિલ્મ લગાવીને ફરતા એક શખ્સ દ્વારા ડમ્પર માલિકો અને  પોલીસ વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવવામાં આવતી હોવાના કારણે પોલીસ જવાનો કામ કરતા નહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. શહેરમાં બપોરે એક વાગ્યા સુધી ભારદારી વાહનો માટે પ્રતિબંધ હોવાછતાંય આવા વાહનો કાળ બનીને  દોડતા હોય છે.

ડમ્પરના માલિકની  પોલીસ દ્વારા પૂછપરછ

વડોદરા,ડમ્પર ચાલક રંજનકુમાર યાદવની લક્ષ્મીપુરા  પોલીસે ધરપકડ કરી છે.  પોલીસે  ડમ્પરના માલિકની તપાસ હાથ ધરતા તેનું નામ કરણ હોવાનું જાણવા મળ્યું છે . ગોરવા વિસ્તારમાંથી ડમ્પર લઇને નીકળેલો ડ્રાઇવર પ્રિયા ટોકીઝથી કચરો ભરીને મધુ નગર ખાલી કરીને ફરીથી પ્રિયા ટોકીઝ તરફ જતો હતો. તે સમયે અકસ્માત થયો હતો. પોલીસે ડમ્પરના માલિક કરણભાઇને બોલાવી તેની  પૂછપરછ હાથ ધરી છે. તેની પાસે પ્રતિબંધિત કલાકોમાં ડમ્પર ફેરવવાની પરમિશન હતી કે કેમ ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *