હાઈકોર્ટના આકરાં વલણ બાદ રેલ્વે- વન તંત્રની જૂનાગઢમાં
સંયુક્ત બેઠક

અન્ય રાજ્યનાં અભયારણ્યમાં ચાલતી રેલ વ્યવસ્થાનો થશે અભ્યાસઆગામી તા.૯ના હાઈકોર્ટમાં રજૂ થશે એસઓપી

જૂનાગઢ :  પીપાવાવ,
રાજુલા, સાવરકુંડલા
અને લીલીયા સુધીના રેલ્વે ટ્રેક પર સિંહો ટ્રેન હડફેટે કપાઈને કમોતે મરી રહ્યા છે.
આ અંગે હાઈકોર્ટે રેલ્વે અને વનતંત્રનો ઉધડો લઈ તાત્કાલિક સિંહોના મોતની ઘટના
અટકાવવા માટે એસઓપી બનાવવા આદેશ કર્યો હતો. આ અંગે રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ અને વન
વિભાગના ઉચ્ચ અધિકારીઓની જૂનાગઢ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં અનેક મહત્વપૂર્ણ
નિર્ણયો કરવામાં આવ્યા છે. રેલ્વે અને વન વિભાગે બનાવેલી એસઓપી આગામી તા.૯ના
હાઈકોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે.

અમરેલી જિલ્લામાં ૧૦૦ કિલોમીટરનો રેલ્વે ટ્રેક સિંહો માટે
કાળમુખો સાબિત થઈ રહ્યો છે. અનેક સિંહો ટ્રેન હડફેટે ઈજાગ્રસ્ત બન્યા અને કેટલાય
સિંહોના મોત થયા છે. વન વિભાગ અને રેલ્વે તંત્ર દ્વારા ટ્રેન હડેફેટે સિંહોના મોત
અટકાવવા માટે અનેક આયોજનો કરવામાં આવ્યા હતા છતાં પણ સિંહોના મોતનો સિલસીલો ચાલુ જ
રહેતા હાઈકોર્ટે રેલ્વેની આકરી ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે રેલ્વે ટ્રેકને અન્યત્ર
ફેરવવા કે રાત્રિના સમયે ટ્રેન બંધ કરી દેવા સુધીનો આદેશ ફરમાવવાની ચીમકી ઉચ્ચારતા
રેલ્વે વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી. હાઈકોર્ટમાં આ અંગે ગત સુનાવણીમાં રેલ્વે
અને વન વિભાગ સંયુક્ત રીતે મળી એસઓપી બનાવી કોર્ટ સમક્ષ રજુ કરવા આદેશ કર્યો હતો.
જેના ભાગરૃપે ગત તા.૩ એપ્રિલે જૂનાગઢ ખાતે વન વિભાગ અને રેલ્વેના ડીઆરએમ સહિતના
ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં નક્કી થયા મુજબ પીપાવાવથી લીલીયા સુધીના ૧૦૦
કિમીના રેલ્વે ટ્રેકમાંથી પ૦ કિમીના રેલ્વે ટ્રેક પર હવેથી ટ્રેનની સ્પિડ ૧૦૦ને
બદલે ૪૦થી નીચે રાખવામાં આવશે. દરરોજ આ ટ્રેક પર ર૪ કલાકમાં રપથી વધુ ટ્રેન
અવર-જવર કરે છે. જેમાં ટ્રેન ૭૦થી ૧૦૦ કિમીની ઝડપે ચાલે છે. હાઈકોર્ટના આદેશ બાદ
રેલ્વે તંત્ર ટ્રેનની સ્પિડ ધીમી કરવા સહમત થયું છે. આ ઉપરાંત સિંહોના અવર-જવરવાળા
વિસ્તારમાં પ૦થી વધુ એલઈડી સોલાર લાઈટ ફીટ કરવાનું કામ શરૃ કરી દેવામાં આવ્યું છે.
આ સંખ્યામાં ધીમે-ધીમે સતત વધારો થતો જશે.

વન વિભાગે રેલ્વેને પીપાવાવ-લીલીયા વચ્ચેના રેલ્વે ટ્રેક પર
ટ્રેનની સ્પિડ ઘટાડવા અનેકવાર રજુઆત કરી હતી પરંતુ રેલ્વે તંત્ર આ માંગણી ક્યારેય
સ્વીકારતું ન હતું. અંતે હાઈકોર્ટના આકરા વલણ બાદ રેલ્વેએ સ્પિડ ઘટાડવા સહમતી
દર્શાવી પડી છે. આ ઉપરાંત રેલ્વે અને વન વિભાગ અન્ય રાજ્યના અભયારણ્યમાં કેવી રીતે
ટ્રેનનું સંચાલન થાય છે તેનો પણ અભ્યાસ કરશે અને ત્યારબાદ તેની અમલવારી કરવામાં
આવશે. આમ
, હવે
રેલ્વેએ સ્પિડ ઘટાડવા અને અન્ય મુદ્દે હકારાત્મક વલણ દાખવ્યું છે. આગામી સમયમાં આ
પગલાઓ બાદ ખેરખર સિંહના મોતની ઘટના અટકશે કે કેમ
? તે એક સવાલ છે.

વન વિભાગે ર૦ની સ્પીડ રાખવા દેવા કરી હતી માંગ

વન વિભાગ દ્વારા રેલ્વે તંત્ર સાથે થયેલી બેઠકમાં વનતંત્રના
અધિકારીઓએ ટ્રેનની સ્પિડ ર૦ કિમીની જ રાખવા માંગણી કરી હતી. પરંતુ આ અંગે રેલ
તંત્ર સહમત ન થયું અને ૪૦થી ઓછી સ્પિડ રાખવા રેલ્વેએ તૈયારી દાખવી છે. હાલ રેલ્વે
દ્વારા પીપાવાવ અવર-જવર કરતી તમામ ટ્રેનની નક્કી થયેલા વિસ્તારમાં ૪૦થી ઓછીની
સ્પિડની અમલવારી પણ શરૃ કરી દીધી છે.

૪થી પ ટ્રેનની અવર-જવરમાં ઘટાડો થાય તેવી શક્યતા

પીપાવાવ પોર્ટ પર સમગ્ર દેશભરમાંથી ટ્રેન આવે છે. ર૪
કલાકમાં રપ જેટલી ટ્રેન અવર-જવર કરે છે. હવે આ ટ્રેક પર પ૦ કિમીના વિસ્તારમાં ૪૦થી
ઓછી સ્પિડે ટ્રેન ચલાવવાનું નક્કી થતા સંભવતઃ ર૪ કલાકમાં અવર-જવર કરતી ટ્રેનની
સંખ્યામાં ૪થી પ ટ્રેનનો ઘટાડો થાય તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *