Lok Sabha Election 2024 | રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ
અંગે કરેલી વિવાદાસ્પદ ટીપ્પણીને કારણે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ
કરવાની સાથે ક્ષત્રિય મહિલાઓ દ્વારા જૌહર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને
લઇને ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં ચિંતા છે. જો કે આ મામલે ચૂંટણી ટાણે જ રાજકીય નુકશાન
થવાની શક્યતાને પગલે સરકારે પોલીસને ક્ષત્રિય સમાજ દ્વારા થતા વિરોધમાં ગુનો નોંધવાને
બદલે માત્ર ડીટેઇન અથવા ઘરમાં નજરબંધ કરવા માટેની સુચના આપવામાં આવી છે.
રાજકોટમાં ચૂંટણી પ્રચારમાં એક કાર્યક્રમ દરમિયાન ભાજપના ઉમેદવાર
પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટીપ્પણીનો વિવાદ હવે વધુ વકર્યો છે. જેમાં
રૂપાલાની રાજકોટની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓએ મોટાપ્રમાણમાં
આંદોલન શરૂ કર્યું હતું. જે બાદ તેમની સાથે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ક્ષત્રિય સમાજ
જોડાતા અનેક સ્થળોએ રાજકીય ઘર્ષણ થયા હતા.
સાથેસાથે મહિલાઓએ કમલમ ખાતે જૌહર કરવાની જાહેરાત કરતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. જેના પગલે જૌહરની ધમકી આપનાર મહિલાઓને ઘરમાં નજરકેદ કરવામાં આવી હતી.
જો કે સમગ્ર રાજ્યમાં થતા વિરોધમાં ક્ષત્રિય સમાજના અનેક રાજકીય
લોકો પણ જોડાયા હતા. જેના કારણે કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ રાજકીય રીતે ભારતીય
જનતા પાર્ટીને ચૂંટણીમાં નકારાત્મક અસર થવાની ચિંતા વધી છે. જેથી ગુજરાત પોલીસ અધિકારીઓને
ક્ષત્રિય વિવાદ મામલે રાજ્યમાં થતા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસને ગુનો નોંધવાને બદલે
માત્ર અટકાયત કરવા કે ધમકી આપનારને ઘરમાં નજરકેદ કરવા માટેની સુચના આપવામાં આવી છે.
આમ, પોલીસ અધિકારીઓ
રાજકીય દબાણને કારણે મુંઝવણમાં મુકાયા છે. બીજી તરફ તમામ જિલ્લાઓના
સાયબર પોલીસ સ્ટેશનના અધિકારીઓને તેમના જિલ્લાઓમાં સોશિયલ મિડીયા પર મુકવામાં આવતી
પોસ્ટ અને વોટ્સએપ સહિતના પ્લેટફોર્મમાં બનાવવામાં આવેલા કેટલાંક ગુ્રપ પર નજર રાખવા
માટે તાકીદ કરવામાં આવી છે.