અમદાવાદ,શુક્રવાર
અમેરિકાના નાગરિકોને ફોન કરીને નાણાં પડાવવાના કૌભાંડમાં વેજલપુર
પોલીસે એક આરોપીને ઝડપીને મહત્વની સફળતા મેળવી છે. જેમાં અમેરિકાના નાગરિકોને આપવામાં
આવતા સોશિયલ સિક્યોરીટી નંબરના આધારે નાગરિકોના અંગત ડેટા મેળવીને તેને કોલ કરીને નાણાં
પડાવવામાં આવતા હતા. પોલીસે ફતેવાડીમાં આવેલી ફાતેમાં રેસીડેન્સીમાં દરોડો પાડીને એક
યુવકની પુછપરછ કરતા આ ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ આર એચ ચૌહાણ અને તેમના સ્ટાફને ગુરૂવારે ચોક્કસ
બાતમી મળી હતી કે ફતેવાડીમાં આવેલી ફાતેમા રેસીડેન્સીમાં એક વ્યક્તિ ગેકકાયદેસર કોલ
સેન્ટર ચલાવીને વિદેશથી મોટાપાયે નાણાં પડાવે છે. જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો.
જેમાં સોહિલપરવેઝ શેખ નામના યુવકને ઝડપી લીધો હતો. તેની પાસેથી પોલીસને ત્રણ મોબાઇલ
ફોન અને લેપટોપ મળી આવ્યું હતું. જે અંગે સઘન પુછપરછ કરતા પોલીસ ચોંકી ઉઠી હતી.સોહિલપરવેઝ
નામનો યુવક દિલ્હીમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા એક વ્યક્તિ સાથે મળીને યુઝનેમ અને
પાસવર્ડના આધારે એક ચોક્કસ વેબસાઇટ પર લોગઇન
કરીને અમેરિકાના નાગરિકોના કોલ ઉપાડીને તેમના સોશિયલ સિક્યોરીટી
ડેટાને આધારે તમામ ખાનગી વિગતો મેળવતો હતો. જે વિગતો તે દિલ્હી મોકલતો હતો અને તે વિગતોને
આધારે દિલ્હી તેમજ અન્ય રાજ્યોમાં આવેલા કોલ
સેન્ટરમાંથી અમેરિકાના નાગરિકોને કોલ કરીને ગીફ્ટ વાઉચર તેમજ અન્ય મોડ્સ ઓપરેન્ડીથી
નાણાં પડાવવામાં આવતા હતા. આ અંગે વેજલપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.