જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધુંવાવ નજીક ઇસ્કોન મંદિર પાસે રસ્તો ઓળંગી રહેલા એક મહિલાને અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવી ઇજાગ્રસ્ત બનાવ્યા હતા, અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અકસ્માત સર્જીને ભાગી છુટનાર વાહન ચાલકને પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી શોધી કાઢ્યો છે.
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર આવેલા ઇસ્કોન મંદિર પાસે ગત ૩૧મી તારીખે રસ્તો ઓળંગી રહેલા એક મહિલાને અજાણ્યા વાહન ના ચાલકે ઠોકરે ચડાવ્યા હતા, અને તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. જે બનાવ અંગે મૃતકના પુત્ર સતીશ અભિમન્યુ પવારે અજાણ્યા વાહન ચાલક સામે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને પંચકોશી એ. ડિવિઝનની પોલીસ ટીમે જામનગરના કમાન કંટ્રોલરૂમ હેઠળ ના જુદા જુદા સીસીટીવી કેમેરાઓ વગેરેનું નિરીક્ષણ કર્યા પછી ઊંડાણપૂર્વકની તપાસના અંતે અકસ્માત સર્જનાર મોટરસાયકલ ના ચાલકને શોધી કાઢ્યો હતો.
જામનગર તાલુકાના ખીમરાણા ગામના પરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ શિવુભા જાડેજા ને ઝડપી લીધો હતો.ધુંવાવ રોડ પરથી પસાર થતા મહિલાને તેણે હડફેટમાં લીધા હતા જે વાહનના નંબરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા પછી પોલીસે ઊંડાણપૂર્વકની તપાસના અંતે આરોપી પિન્ટુ જાડેજાને ઝડપી લીધો છે, અને બાઈક કબજે કર્યું છે.