Image Source: Freepik
જામનગરમાં અંબર સિનેમા રોડ પરથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહેલા વૈષ્ણવ વણિક વેપારીને એક કાર ના ચાલકે ઠોકરે ચડાવી ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજા પહોંચાડયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંબર ટોકીઝ સામેના વિસ્તારમાં રહેતા અને કાપડનો વેપાર કરતા ભરતભાઈ કુંવરિયા નામના વૈષ્ણવ વણિક વેપારી કે જેઓ પોતાનું બાઇક લઈને અંબર સિનેમા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી જી.જે. 10 ડી.જે. 4497 નંબરની ટાટા પંચ કાર ના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં ભરતભાઈ ને ડાબા હાથમાં અને ડાબા પગમાં તેમજ માથાના ભાગે ફ્રેકચર સહિતની ઇજાઓ થઈ હતી, અને માથામાં ટાંકા લેવા પડ્યા હતા. તેઓની જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્ત વેપારીના પુત્ર દેવેન્દ્ર ભરતભાઈ કુંવારીયાએ સી ટી બી. ડિવિઝન પોલીસ મથકમાં કારચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.